'તમારા પર દેશદ્રોહનો ગુનો નોંધાયો છે...', અમદાવાદમાં વૃદ્ધાના રૂ.27 લાખ બચ્યાં, ડિજિટલ એરેસ્ટના નામે છેતરપિંડીનો પર્દાફાશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Digital Arrest Case : અમદાવાદમાં વધુ એક વૃદ્ધા સાયબર ઠગાઈનો શિકાર બનતા રહી ગયા છે. સાયબર ઠગોએ એક વૃદ્ધ મહિલાને 'દેશદ્રોહ' અને 'મની લોન્ડ્રિંગ'ના ખોટા કેસમાં ફસાવીને 'ડિજિટલ એરેસ્ટ' કર્યા હતા અને તેમની પાસેથી 27 લાખ પડાવવાની પેરવી કરી હતી. જોકે, બેંક ઓફ બરોડાના કર્મચારીઓની સતર્કતા અને અમદાવાદ સાયબર ક્રાઈમની સમયસૂચકતાને કારણે મહિલાએ આજીવન ભેગી કરેલી મૂડી બચી ગઈ છે.
સેનાની માહિતી મોકલ્યાનો ડર બતાવી છેતરપિંડી
સાબરમતી વિસ્તારમાં રહેતા આ વૃદ્ધા પર થોડા દિવસ અગાઉ એક અજાણ્યો કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાને દિલ્હી ATS અને NIAના ઉચ્ચ અધિકારી તરીકે ઓળખાવ્યા હતા. ઠગોએ વૃદ્ધાને એવો ભય બતાવ્યો હતો કે તેમના મોબાઈલ નંબરથી ભારતીય સેનાના 21 ગુપ્ત ફોટા, 17 આર્મી ઓફિસરના આઈડી કાર્ડ અને અન્ય સામગ્રી પાકિસ્તાન બોર્ડર પર મોકલવામાં આવી છે. એટલું જ નહીં, મની લોન્ડ્રિંગના કેસમાં પકડાયેલા એક આરોપીએ તેમનું નામ લીધું હોવાનું કહીને તેમને ડરાવવામાં આવ્યા હતા.
27 લાખ ટ્રાન્સફર કરવા દબાણ કર્યું
ઠગોએ મહિલાને ડરાવીને તેમની તમામ FD તોડાવી RBI વેરિફિકેશનના નામે એક શંકાસ્પદ ખાતામાં 27 લાખ ટ્રાન્સફર કરવા દબાણ કર્યું હતું. આ રકમ ટ્રાન્સફર કરવા જ્યારે મહિલા બેંક ઓફ બરોડા પહોંચ્યા, ત્યારે ત્યાંના કર્મચારીને કંઈક અજુગતું લાગ્યું. મહિલા ઉતાવળમાં હતા અને કોઈ અજાણ્યા ખાતામાં મોટી રકમ મોકલવા માંગતા હતા. કર્મીએ તાત્કાલિક મેનેજરને જાણ કરી હતી, તેમણે સમય બગાડ્યા વગર સાયબર ક્રાઈમનો સંપર્ક કર્યો હતો. જે બાદ સાયબર ક્રાઈમની ટીમ બેંક પહોંચી હતી અને ટ્રાન્ઝેક્શન અટકાવ્યું હતું.
ઠગે ફરીથી ફોન કર્યો અને..
મહિલા એટલી હદે ડરેલી હતી કે તેમને વિશ્વાસ જ નહોતો આવતો કે આ એક છેતરપિંડી છે. સાયબર ક્રાઈમની ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કર્યું અને તેમને 'ડિજિટલ એરેસ્ટ'ના નામે ચાલતી ઠગાઈ વિશે સમજાવ્યા. રસપ્રદ વાત એ છે કે, જ્યારે ઠગ દ્વારા ફરીથી મહિલાને NIAના નામે કોલ આવ્યો, ત્યારે ACP પોતે તે કોલ રિસીવ કરીને સાયબર ઠગને જડબાતોડ જવાબ આપ્યો હતો.









