Ahmedabad News: અમદાવાદ જિલ્લાના બાવળાના મેમર ગામે ખાનગી કંપનીમાં કામ કરતાં કર્મચારીએ કંપનીમાં જ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. મેમર ગામે આવેલી ગ્રોથપાત કંપનીના કર્મચારી અગમ્ય કારણોસર કંપનીમાં આવેલી ચીમનીની સીડી પરથી ગળે ફાંસો ખાધો હતો.
ઉત્તર પ્રદેશના યુવકનો આપઘાત
મૃતક આકાશ કુમાર ગોરધન ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. કંપનીના કર્મચારીએ આપઘાત કરી લીધો હોવાની વાત ગામમાં વાયુ વેગે પ્રસરી હતી. જેથી કંપની પર લોકોના ટોળેટોળાં એકઠા થયા હતા. બાદમાં કંપની દ્વારા ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
મૃતદેહ ચીમની પર લટકતો હતો
બગોદરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી જે બાદ મૃતદેહ જે ચીમની પર લટકતો હતો તેને નીચે ઉતાર્યો હતો, સુસાઈડ નોટ અંગે શોધખોળ હાથ ધરી હતી પણ તે મળી આવી નથી. કંપનીએ બનાવ બાદ મીડિયાકર્મીઓને કંપનીમાં પ્રવેશતા અટકાવ્યા હતા. સમગ્ર ઘટનામાં કંપની દ્વારા ઢાંક પિછોળો થતો હોવાની ચર્ચાઓ છે.
પોલીસ તપાસ શરૂ કરી
બગોદરા પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે બગોદરા CHC ખાતે ખસેડ્યો હતો. ઘટનાની જાણ થતાં DYsp બગોદરા સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા. કંપની પાસેથી કર્મચારીની માહિતી લઈ પરિવારને જાણ કરવામાં આવી છે તેમજ યુવકે કયા કારણોસર આપઘાત કર્યો તેની તપાસ પણ શરૂ કરી છે.
આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. જો તમે અથવા તમારા કોઈ પરિચિત માનસિક તણાવ અનુભવી રહ્યા હોય અથવા નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હોય, તો ગભરાશો નહીં. તમે નિઃસંકોચપણે સહાય મેળવી શકો છો. ગુજરાત સરકારની હેલ્પલાઇન 'જીવન આસ્થા' (1800 233 3330) પર 24 કલાક નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે અને ખાનગી રીતે કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવે છે. યાદ રાખો, તમારું જીવન અમૂલ્ય છે.


