Ahmedabad News: અમદાવાદમાં ગેરકાયદે બાંધકામો સામે AMCએ લાલ આંખ કરી છે. વર્ષ 2025માં કુલ 3831 રહેણાંક અને બિન-રહેણાંક થતાં 4216 રોડ પર આવતા યુનિટ દૂર કરવામાં આવ્યા છે તો બીજી તરફ શહેરમાં અંદાજે 111.267 કિલોમીટર લંબાઈના રસ્તાઓને દબાણમુક્ત કર્યા હોવાનો દાવો છે. AMC દ્વારા આંકડા તો જાહેર કરવામાં આવ્યા છે પણ સવાલ એ છે કે શું ખરેખર દબાણો દૂર કર્યા છે તો ટ્રાફિકની સમસ્યા દૂર થઈ છે કે પછી માત્ર કાગળ પર કામ થયું છે?
અંદાજે 17.08 લાખ ચોરસ મીટર પ્લોટો પર કબજો મેળવાયો
AMCના એસ્ટેટ વિભાગ દ્વારા 01 જાન્યુઆરી 2025 થી 29 ડિસેમ્બર 2025 દરમિયાન ટી.પી. ઇન્સ્પેક્શન પ્લોટ હેઠળ કુલ 290 પ્લોટમાં અમલીકરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન અંદાજે 17.08 લાખ ચોરસ મીટર વિસ્તારના પ્લોટોનો કબજો મેળવવામાં આવ્યો છે.

3831 રહેણાંક અને બિન-રહેણાંક યુનિટ દૂર કરાયા: AMC
ટી.પી. સ્કીમના અમલીકરણ દરમિયાન રહેણાંક ક્ષેત્રમાં 1050 કાચા મકાન અને 2213 પાકા મકાન, આમ કુલ 3263 રહેણાંક યુનિટ દૂર કરવામાં આવ્યા હતા. સાથે જ બિન-રહેણાંક ક્ષેત્રમાં 213 કાચા અને 355 પાકા બાંધકામ, આમ કુલ 568 યુનિટ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ રીતે કુલ 3831 રહેણાંક અને બિન-રહેણાંક યુનિટ દૂર કરીને ટી.પી. સ્કીમનું અમલીકરણ કરવામાં આવ્યું.
કુલ 402 રોડ પર કાર્યવાહી: AMC
આ ઉપરાંત શહેરમાં ટી.પી. રોડ તથા રી.ડી.પી. રોડ ખુલ્લા કરવા માટે કુલ 402 રોડ પર કાર્યવાહી કરવામાં આવી હતી. ટી.પી. રોડમાં આવતાં રહેણાંક બાંધકામોમાં 664 કાચા અને 1722 પાકા, કુલ 2386 યુનિટ દૂર કરવામાં આવ્યા હતા, જ્યારે બિન-રહેણાંક બાંધકામોમાં 386 કાચા અને 1444 પાકા, આમ કુલ 1830 બાંધકામો હટાવવામાં આવ્યા હતા. આ રીતે રોડ પરના કુલ 4216 યુનિટ દૂર કરવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહીથી શહેરમાં અંદાજે 111.267 કિલોમીટર લંબાઈના રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા.
દબાણો દૂર કર્યા કે માત્ર કાગળ પૂરતું કામ?
AMCનો દાવો છે કે એસ્ટેટ વિભાગની આ કાર્યવાહીથી ટ્રાફિક વ્યવસ્થા વધુ સરળ બની છે. પણ શહેરમાં ઢગલાબંધ એવી જગ્યાઓ છે જ્યાં દબાણ દૂર થયા બાદ પણ ટ્રાફિકની સમસ્યા ઠેર 'ને ઠેર જ છે. ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે શું ખરેખર કામ થયું છે કે પછી કાગળ પર આંકડાઓ દર્શાવી AMC વાહવાહી લૂંટી રહ્યું છે.


