Gujarat

અમદાવાદ: લગ્નના વાયદા આપી વારંવાર દુષ્કર્મ આચનાર આરોપીની ધરપકડ, મિત્રની બહેનને ફસાવી

By GS TEAM
30 May 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના મકરબા વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતીને લગ્નની ખોટી લાલચ આપી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભોગ બનનાર યુવતીએ આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આરોપી વિજય જયરામભાઈ બાવળવાની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: લગ્નના વાયદા આપી વારંવાર દુષ્કર્મ આચનાર આરોપીની ધરપકડ, મિત્રની બહેનને ફસાવી

Ahmedabad News: અમદાવાદના મકરબા વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતીને લગ્નની ખોટી લાલચ આપી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભોગ બનનાર યુવતીએ આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આરોપી વિજય જયરામભાઈ બાવળવાની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાઈનો મિત્ર હોવાથી ઘરમાં અવરજવર

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિજય બાવળવા ભોગ બનનાર યુવતીના મોટા ભાઈનો મિત્ર હતો. આથી તેનું યુવતીના ઘરે અવારનવાર આવવા-જવાનું થતું હતું. આ દરમિયાન બંને વચ્ચે પરિચય વધ્યો અને સામાન્ય મુલાકાતો ધીમે-ધીમે પ્રેમ સંબંધમાં પરિણમી હતી. બંને ફોન પર તેમજ રૂબરૂમાં નિયમિત સંપર્કમાં રહેતા હતા અને એકાદ વર્ષના સમયગાળામાં આરોપીએ યુવતીને લગ્નનો પ્રસ્તાવ મૂકીને તેની સાથે લગ્ન કરવાની પાકી ખાતરી આપી હતી.

લગ્નના વાયદા આપી દુષ્કર્મ કર્યું

લગ્નના વાયદાઓ આપ્યા બાદ આરોપી વિજયે છ-સાત મહિના પહેલાં યુવતી પર શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં યુવતીએ મનાઈ કરી હતી, પરંતુ વિજયે વહેલી તકે લગ્ન કરી લેવાનું કહીને તેને વિશ્વાસમાં લીધી હતી. ત્યારથી જ્યારે પણ યુવતીના પરિવારજનો ઘરે હાજર ન હોય, ત્યારે વિજય ત્યાં પહોંચી જતો અને યુવતીની મરજી વિરુદ્ધ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરતો હતો. ફેબ્રુઆરી 2026માં પણ તેણે યુવતીની ના હોવા છતાં જબરદસ્તી સંબંધ રાખ્યા હતા.

યુવતી ગર્ભવતી બનતા ફૂટ્યો ભાંડો

માર્ચ 2026માં યુવતીને માસિક ધર્મ ન આવતાં તેણે વિજયને જાણ કરી હતી, જે બાદ પ્રેગ્નન્સી ટેસ્ટ કરતાં તે ગર્ભવતી હોવાનું માલૂમ પડ્યું હતું. હાલ યુવતીને ચાર માસનો ગર્ભ છે. જ્યારે યુવતીએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે વિજય બહાના કાઢવા લાગ્યો હતો. શંકા જતાં યુવતી જ્યારે વિજયના ઘરે પહોંચી ત્યારે તેને ખબર પડી કે વિજય અગાઉથી જ પરણિત છે અને તેને 8 વર્ષનું લગ્નજીવન તથા એક દીકરો પણ છે. સત્ય સામે આવ્યા બાદ વિજયે લગ્નનો ઇનકાર કરી યુવતી પર ગર્ભપાત કરાવવાનું દબાણ કર્યું હતું.

આ પણ વાંચો: VIDEO : રાજસ્થાનના રણપ્રદેશમાં હોલિવૂડ જેવો નજારો, શ્રીગંગાનગર-ચૂરુના રહેવાસીઓ ભયાનક બવંડરમાં ફસાયા

આરોપી જેલના સળિયા પાછળ ધકેલાયો

આખરે કંટાળીને યુવતીએ પરિવારને આપવીતી જણાવતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. સરખેજ પોલીસે આરોપી વિજય બાવળવા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 64(2)(M) અને 69 હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી ફોર-વ્હીલર ડ્રાઇવિંગનું કામ કરે છે અને તેનો ગુનાહિત ઇતિહાસ પણ છે; તે 2017માં નરોડા પોલીસ સ્ટેશનમાં કલમ 302ના ગુનામાં પકડાઈ ચૂક્યો છે અને હાલ જામીન પર બહાર હતો. ગર્ભપાતના દબાણના આરોપો અંગે પોલીસે કહ્યું છે કે ફરિયાદીની પૂછપરછ થયા પછી તપાસ ચાલુ છે એટલે ખરેખર તેમાં તથ્ય શું છે એ તો તપાસના અંતે જ ખબર પડશે.