Get The App

અમદાવાદ: નવરંગપુરામાં ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઈ-મેઇલ મળતાં જ બિલ્ડિંગ ખાલી કરાવાયું

Updated: Mar 9th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: નવરંગપુરામાં ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઈ-મેઇલ મળતાં જ બિલ્ડિંગ ખાલી કરાવાયું 1 - image


Ahmedabad Court Bomb Threat: રાજ્યની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં ફરી એકવાર બોમ્બની ધમકીને પગલે ફફડાટ ફેલાયો છે. નવરંગપુરા વિસ્તારમાં આવેલી ગ્રામ્ય કોર્ટને અજાણ્યા શખસ દ્વારા ઈ-મેઇલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ઉપરાંત ઓલ્ડ હાઇકોર્ટને પણ ધમકી મળતાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કોર્ટના તમામ ગેટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ પણ વ્યક્તિને કોર્ટની અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.

અનિશ્ચિત સમય માટે કામગીરી સ્થગિત

મળતી માહિતી અનુસાર, ધમકીભર્યા ઈ-મેઇલની જાણ થતાં જ સુરક્ષાના કારણોસર કોર્ટ પરિસરમાં દોડધામ મચી ગઈ હતી. વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કોર્ટમાં હાજર તમામ જજ, વકીલો, કર્મચારીઓ અને પક્ષકારોને સુરક્ષિત રીતે બહાર કાઢી આખું બિલ્ડિંગ ખાલી કરાવી દેવામાં આવ્યું છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટના દરેક ફ્લોર અને ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી રહી છે. નવરંગપુરા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો કોર્ટ પરિસરે ખડકી દેવામાં આવ્યો છે અને હાલ કોઈને પણ અંદર પ્રવેશવા દેવામાં આવતા નથી.

આ પણ વાંચો: અમરેલી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, 14 RDX બોમ્બના ઉલ્લેખ સાથે ઈ-મેઈલ આવતા તંત્રમાં દોડધામ

આ ઈ-મેઇલ ક્યાંથી આવ્યો અને કોણે મોકલ્યો છે તે જાણવા માટે ટેકનિકલ સર્વેલન્સના આધારે ધમકી આપનાર અજાણ્યા શખસને ટ્રેસ કરવાની કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે.