અમદાવાદ: નરોડા GIDCમાં આગની દુર્ઘટનામાં શ્રમિકનું મોત, ન્યાય માટે પરિવારજનો મૃતદેહ લઈને કંપનીએ પહોંચ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Naroda GIDC Fire Worker Death Case: અમદાવાદના નરોડા જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં થોડા દિવસો પહેલા આગની ઘટનામાં ગંભીર રીતે દાઝેલા વધુ એક શ્રમિકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ન્યાયની માંગ સાથે પરિવારજનો શ્રમિકનો મૃતદેહ લઈને સીધા જ કંપનીના હેટ પર પહોંચ્યા હતા, જેને પગલે વિસ્તારમાં તંગદિલીભર્યા દ્રશ્યો સર્જાયા હતા.
સારવાર દરમિયાન રમેશ પરમારે દમ તોડ્યો
મળતી માહિતી મુજબ, નરોડા જીઆઈડીસીની કંપનીમાં લાગેલી આગમાં રમેશ પરમાર નામના શ્રમિક ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ લાંબી સારવાર બાદ આખરે તેમણે દમ તોડ્યો હતો. રમેશભાઈના અવસાનના સમાચાર મળતા જ તેમનો પરિવાર શોક અને રોષમાં ગરકાવ થઈ ગયો હતો.
કંપનીના ગેટ પર મૃતદેહ મૂકી પરિવારનો દેખાવો
મૃતક રમેશ પરમારના પરિવારજનો તેમનો મૃતદેહ લઈને કંપની પર પહોંચ્યા હતા. પરિવારનો આક્ષેપ છે કે કંપનીના સંચાલકો દ્વારા આ ગંભીર મામલે હજુ સુધી કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી કે પરિવારને આર્થિક મદદની કોઈ ખાતરી આપવામાં આવી નથી. સંચાલકોના ઉદાસીન વલણ સામે પરિવારજનોએ દેખાવો કર્યો હતો.
પરિવારજનોએ કંપની મેનેજમેન્ટ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, 'કંપનીમાં આગ લાગવાની ઘટના માત્રને માત્ર સંચાલકોની બેદરકારીના કારણે સર્જાઈ હતી. કંપનીમાં કામ કરતા કર્મચારીઓને પૂરતા પ્રમાણમાં સુરક્ષાના સાધનો (Safety Equipment) પૂરા પાડવામાં આવતા નથી, જેના કારણે આ હોનારતમાં શ્રમિકે જીવ ગુમાવવો પડ્યો છે. જો યોગ્ય સુરક્ષા વ્યવસ્થા હોત, તો રમેશભાઈનું મોત અટકાવી શકાયું હોત.' હાલમાં પરિવારજનો યોગ્ય વળતર અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ પર અડગ છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ પણ તકેદારીના ભાગરૂપે સતર્ક થઈ છે અને આગળની તપાસ હાથ ધરી છે.








