Gujarat

અમદાવાદ મ્યુનિ. સંચાલિત L.G., શારદાબેન હોસ્પિટલમાં બે વર્ષમાં ડોગબાઈટના ૧૭ હજાર કેસ

By GS TEAM
6 Sep 20251 min read
અમદાવાદ મ્યુનિ. સંચાલિત L.G., શારદાબેન હોસ્પિટલમાં બે વર્ષમાં ડોગબાઈટના ૧૭ હજાર કેસ

  અમદાવાદ,શુક્રવાર, 5 સપ્ટેમ્બર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલ.જી. હોસ્પિટલ તથા શારદાબેન હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષમાં ડોગબાઈટના ૧૭૫૪૦ કેસ નોંધાયા છે. આ તમામને હોસ્પિટલ તરફથી હડકવા વિરોધી ઈન્જેકશન આપવામા આવ્યા છે.શહેરના વિવિધ વિસ્તારમાંથી રોજ દસથી વધુ ફરિયાદ કોર્પોરેશનને મળે છે.

શહેરમાં રખડતા કૂતરાં અંગે ઘણા વર્ષોથી કોઈ સત્તાવાર સર્વે કોર્પોરેશને કરાવ્યો જ નથી. બે લાખ રખડતા કૂતરાં હોવાનો આંક પકડી રાખવામા આવ્યો છે. કોર્પોરેશનના દાવા મુજબ એનિમલ બર્થ કંટ્રોલ રુલ્સ મુજબ અત્યાર સુધીમાં કુલ ૧.૩૩ લાખથી વધુ રખડતા કૂતરાંનુ ખસીકરણ એજન્સીઓ પાસે કરાવાયુ છે.દાણીલીમડા અને બહેરામપુરા ખાતે રખડતા કૂતરાંને પકડીને ખસીકરણ કરવામા આવે છે. પાંચ વર્ષમાં કોર્પોરેશને રખડતા કૂતરાં પકડી તેનુ ખસીકરણ કરવા રુપિયા ૧૨.૭૦ કરોડનો ખર્ચ કર્યો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં વર્ષ-૨૦૨૧થી બોપલ ઉપરાંત કઠવાડા, નાના ચિલોડા સહીતના અનેક નવા વિસ્તારનો સમાવેશ કરાયો છે.જેની સામે માત્ર બે એજન્સીને રખડતા કૂતરાં પકડીને તેનુ ખસીકરણ કરવાની કામગીરી સોંપાઈ છે. એક રખડતા કૂતરાં દીઠ રુપિયા ૯૫૦થી પણ વધુની રકમ કોર્પોરેશન તરફથી એજન્સીને ખસીકરણ માટે ચૂકવવામા આવે છે. આ પરિસ્થિતિમાં રખડતા કૂતરાં કરડવાની ઘટના ઘટવી જોઈએ.એના બદલે વધતી જોવા મળે છે.