Gujarat

અમદાવાદ મ્યુનિસિપલ હદ આસપાસના દસ કિ.મી.વિસ્તારના વાહનનો વ્હીકલ ટેકસ વસૂલવા નિર્ણય

By GS TEAM
21 Jun 20252 mins read
અમદાવાદ મ્યુનિસિપલ હદ આસપાસના દસ કિ.મી.વિસ્તારના વાહનનો વ્હીકલ ટેકસ વસૂલવા નિર્ણય

 અમદાવાદ,શનિવાર,21 જુન,2025

અમદાવાદ મ્યુનિસિપલ હદ આસપાસ દસ કિલોમીટર વિસ્તારના વાહનનો વ્હીકલ ટેકસ વસૂલવા રેવન્યુ કમિટીમાં નિર્ણય લેવાયો છે. અમદાવાદ બહાર રહેતા હોય પરંતુ જેમના વાહન આર.ટી.ઓ.સુભાષબ્રિજ કે વસ્ત્રાલમાં રજિસ્ટર્ડ થયા હોય તેવા વાહનનોને વ્હીકલ ટેકસના દાયરામાં સામાવાશે.ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હદ માટે આ નિર્ણય લાગુ નહીં કરાય.

રેવન્યુ કમિટીની બેઠક પછી ચેરમેન અનિરૃધ્ધસિંહ ઝાલાએ કહયુ, એવુ ધ્યાનમાં આવ્યુ છે કે, અમદાવાદ આસપાસ આવેલા કણભા, સુજાડ કે પછી આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તેવા કરદાતાઓ પાસેથી વ્હીકલ ટેકસ વસૂલાતો નથી. આ પ્રકારના કરદાતાઓ મોટાભાગે અમદાવાદમાં જ કાર્યક્ષેત્ર ધરાવે છે.જેથી આર.ટી. ઓ.સુભાષબ્રિજ કે વસ્ત્રાલ ખાતે રજિસ્ટર્ડ થયેલા આવા વાહનોની એક યાદી મંગાવી જે કરદાતાઓએ વ્હીકલ ટેકસ ભરપાઈ કર્યો ના હોય તેવા કરદાતાઓને વ્હીકલ ટેકસ ભરપાઈ કરવા નોટિસ અપાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરદાતાઓ તેમની જાતે ટેકસ એસેસમેન્ટ કરી શકે એ માટે ઓનલાઈન મોડયુલ શરૃ કરી દેવાયુ છે.પ્રોપર્ટી ટેકસની સ્વંય ગણતરી કરવાની સાથે તેના આધારે નવો ટેનામેન્ટ નંબર પણ કરદાતાઓ મેળવી સકશે. કોર્પોરેશને ટેકસને લગતી વિવિધ પ્રકારની અરજીઓ ઓનલાઈન કરવાની સુવિધા અગાઉ ઉપલબ્ધ કરાવેલી છે.

ટાટા મોટર્સની ૬૦ બસનો ૧.૨૯ કરોડ વ્હીકલ ટેકસ બાકી

        અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા વિવિધ રુટ ઉપર બી.આર.ટી.એસ.બસ દોડાવવામાં આવી રહી છે. ટાટા મોટર્સની ૬૦ બસ દોડાવાઈ રહી છે.જે પેટે કંપની પાસેથી રુપિયા ૧.૨૯ કરોડનો વ્હીકલ ટેકસ વસૂલવાનો બાકી છે. વીટી મોબિલિટીની સાત બસનો રુપિયા ૧૬ લાખ વ્હીકલ ટેકસ વસૂલવાનો બાકી છે.રેવન્યુ કમિટી ચેરમેને કહયુ, બાકી વ્હીકલ ટેકસ વસૂલવા અત્યાર સુધીમાં ચાર નોટિસ અપાઈ છે. હજુ એક વખત તેમને તક અપાશે.જે પછી પણ બાકી વ્હીકલ ટેકસ ભરપાઈ નહીં કરે તો કાયદાકીય કાર્યવાહી કરવા વિચારીશુ.