Gujarat

1885માં યોજાયેલી અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીના નિયમો ચોંકાવનારા હતા, ધનવાન અને ભણેલા ગણેલાને જ હતો મતદાનનો અધિકાર

By GS TEAM
24 Apr 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપાલિટીના ઈતિહાસનું એક રસપ્રદ પાનું સામે આવ્યું છે. આજે ભલે 18 વર્ષથી ઉપરનો દરેક નાગરિક મત આપી શકે છે, પરંતુ વર્ષો પહેલાં સ્થિતિ સાવ અલગ હતી. 1885માં યોજાયેલી શહેરની પ્રથમ મ્યુનિસિપલ ચૂંટણીમાં મતદાનનો અધિકાર માત્ર ગણ્યા-ગાંઠ્યા 'ભદ્ર' વર્ગ પાસે જ હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

1885માં યોજાયેલી અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીના નિયમો ચોંકાવનારા હતા, ધનવાન અને ભણેલા ગણેલાને જ હતો મતદાનનો અધિકાર

Ahmedabad Municipal Election History: ગુજરાતમાં અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપાલિટીના ઈતિહાસનું એક રસપ્રદ પાનું સામે આવ્યું છે. આજે ભલે 18 વર્ષથી ઉપરનો દરેક નાગરિક મત આપી શકે છે, પરંતુ વર્ષો પહેલાં સ્થિતિ સાવ અલગ હતી. 1885માં યોજાયેલી શહેરની પ્રથમ મ્યુનિસિપલ ચૂંટણીમાં મતદાનનો અધિકાર માત્ર ગણ્યા-ગાંઠ્યા 'ભદ્ર' વર્ગ પાસે જ હતો.

સાર્વત્રિક નહીં પણ મર્યાદિત મતાધિકાર

15 ઓગસ્ટ 1885ના રોજ અમદાવાદ મ્યુનિસિપાલિટીની સૌપ્રથમ ચૂંટણી યોજાઈ હતી. 'ગુજરાતનો પ્રથમ ચૂંટણી જંગ' પુસ્તકના ઉલ્લેખ મુજબ, તે સમયે દરેક નાગરિક મત આપી શકતો નહોતો. મતાધિકાર મેળવવા માટે બ્રિટિશ શાસન દ્વારા કડક નિયમો બનાવવામાં આવ્યા હતા. જેમાં મતદાર પાસે ચોક્કસ માત્રામાં અંગત મિલકત હોવી અનિવાર્ય હતી. જે નાગરિકો અમુક નિશ્ચિત મર્યાદામાં ટેક્સ ચૂકવતા હોય તેમને જ મતદાર ગણવામાં આવતા. ઉચ્ચ શિક્ષણ ધરાવતા લોકો માટે જ મતદાનના દ્વાર ખુલ્લા હતા. આમ, એ સમયની ચૂંટણી સામાન્ય જનતા માટે નહીં, પણ માત્ર ઉચ્ચ વર્ગના લોકો માટેની એક 'એલાઈટ ક્લબ' સમાન હતી.

આ પણ વાંચો: RTE હેઠળ એડમિશન માટે અઢી લાખ જેટલા ફોર્મ ભરાયા, આ વખતે બેઠક ઘટી અને અરજીઓ વધી

7 વોર્ડ, 14 બેઠકો અને માત્ર 1752 મતદારો

આ પ્રથમ ચૂંટણી જંગમાં શહેરના 7 વોર્ડની 14 બેઠકો માટે કુલ 54 ઉમેદવારો મેદાનમાં હતા. નવાઈની વાત એ છે કે લાખોની વસ્તી ધરાવતા શહેરમાં આકરા નિયમોને કારણે માત્ર 1752 મતદારો જ મતદાન માટે માન્ય ઠર્યા હતા. મોટાભાગના ઉમેદવારો આ ચૂંટણીને સત્તા મેળવવાના સાધન કરતા 'VIP પાસ' કે પ્રતિષ્ઠાના પ્રતીક તરીકે જોતા હતા.

બ્રિટિશરોનો સત્તા પર કબજો

ચૂંટણી ભલે યોજાઈ, પરંતુ વાસ્તવિક અને માળખાકીય સત્તા બ્રિટિશરોએ પોતાના જ હાથમાં રાખી હતી. ચૂંટાયેલા કાઉન્સિલરો પાસે કોઈ નવા કાયદા પસાર કરવાની સત્તા નહોતી. ચૂંટણીના એક મહિના બાદ, 15મી સપ્ટેમ્બર 1885ના રોજ મ્યુનિસિપલ બોર્ડની વિધિવત સ્થાપના થઈ અને 21 સપ્ટેમ્બરે તેની પ્રથમ બેઠક મળી હતી.