દાઝયા ઉપર ડામ જેવી સ્થિતિ, અમદાવાદમાં એક મહીનામાં ગટર ઉભરાવાની ૨૮ હજારથી વધુ ફરિયાદ
એક તરફ રસ્તા ઉપર ખાડા, વરસાદી પાણીનો કલાકો સુધી નિકાલનો અભાવ ઉપરથી ઉભરાતી ગટર વચ્ચે પિસાતા લોકો
અમદાવાદ,મંગળવાર,1
જુલાઈ,2025
વાર્ષિક રુપિયા પંદરહજાર કરોડથી પણ વધુનુ બજેટ ધરાવતા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ તંત્ર સાવ ખાડે ગયુ છે.એક મહીનામાં ગટર ઉભરાવાની
૨૮૬૪૨ ફરિયાદ કોર્પોરેશનને મળી છે. એક તરફ રસ્તા ઉપર ખાડા, વરસાદી પાણીનો
કલાકો સુધી નિકાલ થઈ શકતો નથી. ઉપરથી વિવિધ વિસ્તારમાં ઉભરાતી ગટર વચ્ચે શહેરનો સામાન્ય
અને ગરીબ વર્ગનો માનવી પિસાઈ રહયો છે. છતા
તંત્ર અને સત્તાધીશો આંખ આડા કાન કરી રહયા છે.
જુન મહીનામાં મ્યુનિસિપલ કોર્પોરેશનને ૩૧૭૯૩ પ્રાથમિક સુવિધાને લગતી ઓનલાઈન ફરિયાદ મળી હતી.
આ પૈકી વરસાદી પાણી ભરાવવા અંગેની ૪૩૬૦ ફરિયાદ
મળી કુલ ૩૬૧૫૩ ફરિયાદ મળી હતી.શહેરના ૪૮ વોર્ડમાં ગટરની સફાઈ કરવા માટે ૪૯૮
મંડળીઓ છે.દરેક સંસ્થાઓને દર મહીને રુપિયા
૫૦ હજાર ચૂકવવામા આવતા હોવાછતાં ગટર ઉભરાવાની ફરિયાદો સતત વધતી જાય છે.કોટ વિસ્તાર
સહીતના મધ્યઝોનમાં ગટર સાફ કરવા ૯૯ મંડળી કાર્યરત છે. નરોડા,કુબેરનગર સહીતના
વિસ્તારમાં ૧૧૨ મંડળીઓ કાર્યરત છે.ચોમાસા પહેલા ગટર સફાઈ પાછળ રુપિયા ત્રણ કરોડથી
વધુની રકમનો ખર્ચ કરાયાનો કોર્પોરેશન તરફથી દાવો કરાયો હતો.
શહેરના ખાડીયા,દરિયાપુર, શાહપુર, કાલુપુર ઉપરાંત
જમાલપુર સહીતના વિસ્તારમાં એક મહીનામા ગટર ઉભરાવાની કે ગટરલાઈન ચોકઅપ થવાની ૬૧૮૦
ફરિયાદ કોર્પોરેશનને મળી હતી. નરોડા,સૈજપુર
ઉપરાંત કુબેરનગર, સરદારનગર
તેમજ સરસપુર,રખિયાલ
જેવા વિસ્તારમાંથી ૬૭૧૦ ફરિયાદ ગટર ઉભરાવાની મળી હતી.નારણપુરા,પાલડી,નવરંગપુરા, સાબરમતી, વાડજ જેવા
વિસ્તારમાંથી ૫૦૩૮ ફરિયાદ કોર્પોરેશનને મળી હતી.મણિનગર, ઈસનપુર, ઘોડાસર સહીતના
અન્ય વિસ્તારમાંથી ગટર ઉભરાવાની ૪૮૨૫ ફરિયાદ એક મહીનામાં કરવામા આવી હતી.કરોડો રુપિયાના
ખર્ચ છતાં સામાન્ય લોકોની મુશ્કેલી ઘટતી જ
નહીં હોવાનો વિપક્ષનેતાએ આક્ષેપ કર્યો છે.
મધ્યઝોનમાં વોર્ડ મુજબ એક વર્ષમાં કયાં-કેટલો ખર્ચ કરાયો?
વોર્ડ ખર્ચની રકમ
જમાલપુર ૯.૪૩ કરોડ
ખાડિયા ૧.૧૩ કરોડ
દરિયાપુર ૮૦.૩૬ લાખ
શાહપુર ૬૭.૭૪ લાખ
શાહીબાગ ૧.૪૬ કરોડ
અસારવા ૯૮ લાખ
શહેરના કયા વોર્ડમાં સૌથી વધુ મંડળીઓ કાર્યરત
વોર્ડ મંડળીની
સંખ્યા
સરસપુર ૪૦
કુબેરનગર ૨૯
શાહીબાગ ૨૭
દરિયાપુર ૨૭
બાપુનગર ૨૪
લાંભા ૨૩