અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ક્રીકેટ બોકસ, નેટ કવર્ડ સ્પોર્ટસ માટે ડ્રાફટ પોલીસી તૈયાર કરી
કાયમી બાંધકામ ઉભુ કરી નહીં શકાય, ૧૨ મીટરથી વધુ પહોળાઈના રોડ ઉપર મંજુરી અપાશે
અમદાવાદ,મંગળવાર,8 જુલાઈ,2025
સુરતના કતારમાં ભારે વરસાદ અને પવનના ક્રીકેટ બોકસ ધરાશાયી થયુ
હતુ. આ ઘટના પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ક્રીકેટ બોકસ, નેટ કવર્ડ સ્પોર્ટસ
માટે ડ્રાફટ પોલીસી તૈયાર કરી છે. ક્રિકેટબોકસ માટે કાયમી બાંધકામ ઉભુ કરી નહીં શકાય.
૧૨ મીટરથી વધુ પહોળાઈના રોડ ઉપર જ મંજુરી અપાશે.
ક્રીકેટ બોકસ માટે પ્રતિ ચોરસ મીટર સો રુપિયા લાયસન્સ ફી ભરવી પડશે.સ્ટેન્ડિંગ
કમિટીની મંજુરી પછી આ પોલીસી રાજય સરકારની મંજુરી માટે મોકલાશે.
શહેરના એસ.જી.હાઈવે તથા રીંગરોડ પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં
લોખંડની જાળીથી કોર્ડન કરી ક્રીકેટ બોકસમાં રુપિયા બે હજાર સુધીની ફી ચૂકવી લોકો
ક્રીકેટ રમવા જાય છે. આ પ્રકારે ઉભા કરવામા આવતા ક્રીકેટ બોકસ માટે કોઈ ચોકકસ નિતી
જ અમલમાં નહતી.ક્રીકેટ બોકસ અને પિકલ બોકસ સહીતની નેટકવર્ડ સ્પોર્ટસ એકટિવીટી માટે
વન ટાઈમ લાયસન્સ ફી ભરવાની રહેશે.અગાઉ
મંજુરી મેળવીને ઉભા કરાયેલા ક્રીકેટબોકસ માટે એસ.ઓ.પી. જાહેર થયાના ત્રીસ દિવસમાં
અરજી કરાઈ હોય તેવા કીસ્સામા પ્રતિ ચોરસમીટર સો રુપિયા લાયસન્સ ફી ભરવાની રહેશે.
પૂર્વ મંજુરી વગર ચલાવાતા ક્રીકેટ બોકસ અને નેટકવર્ડ સ્પોટર્સ એકિટીવીટી માટે
પ્રતિ ચોરસમીટર રુપિયા ૨૦૦ લાયસન્સ ફી ભરવાની રહેશે.લાયસન્સફીમાં દર ત્રણ વર્ષે
પાંચ ટકાનો વધારો સુચવવામાં આવ્યો છે.પ્લોટની આજુબાજુ ટ્રાફિક વ્યવસ્થાનુ ચુસ્ત
સંચાલન કરવુ પડશે.સિકયુરીટી ગાર્ડ સહીતની વ્યવસ્થા પણ સંચાલકે કરવાની
રહેશે.સુરક્ષા અને સલામતીના ભાગરુપે ક્રીકેટબોકસનો પરવાનો રદ કરવાની મ્યુનિસિપલ
કમિશનરને સત્તા અપાશે.
ક્રીકેટબોકસ માટે
અમલમાં આવનારા નિયમો કયા?
૧.૫૦૦ ચોરસમીટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતા પ્લોટમાં પરવાનગી
મળવાપાત્ર રહેશે.
૨.ક્રીકેટબોકસ કે નેટકવર્ડ
સ્ટ્રકચરની મહત્તમ ઉંચાઈ ૧૨ મીટર સુધી મળવાપાત્ર રહેશે.
૩.રોડસાઈડ માર્જિન મીનીમમ છ મીટર મુજબ તથા મીનીમમ સાઈડ
માર્જિન ત્રણ મીટર રાખવાનુ રહેશે.
૪.ટી.પી.રસ્તા
પૈકીની કોઈપણ જગ્યા ઉપર બાંધકામ કે ઉપયોગ દર્શાવી નહીં શકાય.
૫.કોઈપણ પ્રકારના સ્ટ્રકચરની ફરતે યોગ્ય રીતે ખુલ્લી જગ્યા
રાખવી પડશે.
૬.ખુલ્લી જગ્યામાં પાર્કીંગની વ્યવસ્થા કરવાની રહેશે.
૭.કુલ પ્લોટ એરીયાના મીનીમમ પચાસ ટકા પાર્કીંગ મુકવાનુ
રહેશે.
૮.પ્લોટની હદ ઉપર મીનીમમ ત્રણ મીટર ઉંચાઈના મજબુતાઈ ધરાવતા બેરીકેડ(પતરાં) લગાવવાના રહેશે.
૯.નેટકવર્ડ સ્ટ્રકચરની દરેક બાજુએ એક એન્ટ્રી અને એક એકઝીટ
સ્પેસ રાખવી પડશે.
૧૦.પોલીસ વિભાગ સુચવે એ મુજબ સી.સી.ટી.વી.કેમેરા લગાવવાના
રહેશે.