Get The App

અમદાવાદના CCTVને AI સોફ્ટવેર સાથે જોડાશે, 21થી વધુ ગુનાના ભંગ બદલ વાહનચાલકોને મળશે મેમો

શહેરમાં 21થી વધુ ગુનાઓ પકડવા માટે AI સોફ્ટવેર તૈયાર કરવા માટે ટેન્ડર બહાર પડાયું

AI સોફ્ટવેરની મદદથી વોન્ટેડ વ્યક્તિ, મિસિંગ બાળકો શોધવા પણ AI ઉપયોગી નિવડશે

Updated: Aug 21st, 2023


Google NewsGoogle News
અમદાવાદના CCTVને AI સોફ્ટવેર સાથે જોડાશે, 21થી વધુ ગુનાના ભંગ બદલ વાહનચાલકોને મળશે મેમો 1 - image

અમદાવાદ, તા.21 ઓગસ્ટ-2023, સોમવાર

અમદાવાદમાં સિગ્નલો પર સીસીટીવી લગાવાયેલા હોવા છતાં વાહનચાલકો સિગ્નલ સહિતના ગુનાઓ તોડતા હોવાનું રોજબરોજ સામે આવતું હોય છે, ત્યારે શહેરની ટ્રાફિક સમસ્યા અને નિયમોનું પાલન થાય તે માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્માર્ટ સિટીની ત્રીજી આંખ એટલે કે સીસીટીવી વધુ સ્માર્ટ બનાવવાની તૈયારીઓ હાથ ધરાઈ છે. શહેરના CCTVને  AI સોફ્ટવેર સાથે જોડવામાં આવશે. નવા સોફ્ટવેર બાદ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોનું આવી બનશે. નવા સોફ્ટવેરને કારણે 21થી વધુ ગુનાંનાં ભંગ બદલ મેમો અપાશે. હાલ માત્ર સિગ્નલ ભંગ અને સ્ટોપ લાઈન ભંગ બદલ મેમો આપવામાં આવે છે. 

AI સોફ્ટવેર તૈયાર કરવા માટે ટેન્ડર બહાર પડાયું

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અમદાવાદ શહેરના 130 જંકશનો પર 1695 CCTV કાર્યરત કરવામાં આવ્યા છે. અમદાવાદ સ્માર્ટ સીટી કંપનીએ અમદાવાદ શહેરમાં ઓવર સ્પીડીંગ સહિત 21થી વધુ જુદા-જુદા પ્રકારના વાયોલેશન પકડવા માટે AI સોફ્ટવેર તૈયાર કરવા માટે ટેન્ડર બહાર પાડી દીધાં છે. આ ટેન્ડર મંજુર થયા બાદ જુદા-જુદા 21થી વધુ જેટલા વિહિકલ એકટના ગુનાના ભંગ બદલ ઈ-મેમો આપવામાં આવશે.  નવા સોફ્ટવેરના ડેવલપમેન્ટ બાદ ઓવરસ્પીડીંગના કિસ્સામાં પણ ઇ-મેમો આપી શકાશે. શહેરમાં ઓવર સ્પીડિંગના કિસ્સા વધી રહ્યા છે ત્યારે આગામી દિવસમાં આ સોફ્ટવેર દ્વારા કાર્યવાહી કરી શકાશે.

વોન્ટેડ વ્યક્તિ, મિસિંગ બાળકો શોધવા પણ AI ઉપયોગી નિવડશે

ડ્રીંક કરી વાહન ચલાવવું, સીટબેલ્ટ વગર વાહન ચલાવવું,  ચાલુ વાહને ફોન પર વાત કરવી, રોંગ સાઈડ પર જવું, વાહન પર કાળી ફિલ્મ લગાવેલી હોવી, વાહનોમાં વધુ પડતા મુસાફરો ભરવા, ફેન્સી નંબર પ્લેટ વગેરે અંગે માહિતી મળી શકશે. આ સાથે કોઈ વોન્ટેડ વ્યક્તિ, મિસિંગ બાળકો વગેરેને શોધવા પણ ઉપયોગી થશે. રોડ પર પડેલા ખાડા, રસ્તા પર રખડતા પશુઓ,  રોડ પર રહેલા વાહનો પર પણ નજર રાખી શકાશે.


Google NewsGoogle News