Gujarat

પ્રદૂષણના નિયમોનું પાલન ન કરતાં બિલ્ડરની બાંધકામ મંજૂરી રદ કરો, AMC કમિશનરનો કડક આદેશ

By GS TEAM
16 Apr 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ શહેરમાં સતત વધતા જતા એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI)ને લઈ મ્યુનિસિપલ કમિશનર એક્શન મોડમાં જોવા મળ્યા હતા. શહેરની પ્રદૂષિત થતી જતી હવાને ધ્યાનમાં રાખીને તેમણે એસ્ટેટ વિભાગના અધિકારીઓને કડક તાકીદ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રદૂષણના નિયમોનું પાલન ન કરતાં બિલ્ડરની બાંધકામ મંજૂરી રદ કરો, AMC કમિશનરનો કડક આદેશ
Image egov Magazine

Ahmedabad News : અમદાવાદ શહેરમાં સતત વધતા જતા એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI)ને લઈ મ્યુનિસિપલ કમિશનર એક્શન મોડમાં જોવા મળ્યા હતા. શહેરની પ્રદૂષિત થતી જતી હવાને ધ્યાનમાં રાખીને તેમણે એસ્ટેટ વિભાગના અધિકારીઓને કડક તાકીદ કરતા કહ્યું કે, જે ડેવલપર્સ ગુડ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસનો અમલ કરતા ન હોય તેમની બાંધકામ અંગેની રજાચિઠ્ઠી રદ કરી દો.

નિયમોન પાળે તેની સામે દંડો ઉગામો

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીઓની સાપ્તાહિક (વીકલી) રિવ્યૂ બેઠક મળી હતી. બેઠકમાં શહેરના વિવિધ વોર્ડમાં ચાલતી અનેક બાંધકામ સાઈટો પર ડેવલપર્સ દ્વારા ગ્રીન નેટ લગાવવાથી લઈ અન્ય જરૂરી સુરક્ષાત્મક પગલાં યોગ્ય પ્રમાણમાં લેવાતા ન હોવાથી શહેરનો AQI સતત ઊંચો જઈ રહ્યો હોવા અંગે તેમણે ટકોર કરી હતી.

પેનલ્ટી વસૂલવા અંગે ટકરો

દરમિયાન, અધિકારીઓએ પેનલ્ટી વસૂલવામાં આવતી હોવાનો જવાબ આપતા કમિશનરે કડક સૂચના આપી હતી કે, પેનલ્ટી વસૂલ્યા પછી પણ જો ડેવલપર નિયમોનું પાલન ન કરતા હોય, તો તેમને કોર્પોરેશન તરફથી આપવામાં આવેલી બાંધકામ અંગેની રજાચિઠ્ઠી રદ કરો. તમામ ઝોનમાં આ અંગે કડક અમલવારી કરવા આદેશ અપાયો છે, જેથી એર ક્વોલિટી ઈન્ડેક્સ નિયંત્રણમાં લાવી શકાય.

વૃક્ષો માત્ર કાગળ પર

‘મિશન મિલિયન ટ્રી’ ઝુંબેશ અંતર્ગત ગાર્ડન વિભાગ દ્વારા નદી પારના એક પ્લોટમાં પ્લાન્ટેશન કર્યું હોવાનો અગાઉ દાવો કરાયો હતો, પરંતુ તે પ્લોટ પર કોર્પોરેશનનું અર્બન હેલ્થ સેન્ટર બનેલું હોવાનું સામે આવતા કમિશનરે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે અધિકારીઓને ચેતવણી આપી હતી કે, ખોટી કામગીરી બતાવવાની કોશિશ ન કરવી. આ ઉપરાંત, સીસીઆરએસ (CCRS) પર મળતી ફરિયાદોનો નિકાલ લાવ્યા વગર તેને ક્લોઝ કરનારા અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની પણ સૂચના આપી હતી.

શહેરમાં રખડતા કૂતરાઓ માટે હોટ સ્પોટ જાહેર કરાશે

અમદાવાદમાં તાપમાન વધવાની સાથે વિવિધ વોર્ડમાં રખડતા કૂતરાઓની ફરિયાદોમાં પણ વધારો થયો છે. શહેરીજનોની સુરક્ષા અને જાણકારી માટે, જે રીતે ગરમી માટે હોટ સ્પોટ જાહેર કરવામાં આવે છે, તે જ તર્જ પર રખડતા કૂતરાઓ માટેના ‘હોટ સ્પોટ’ જાહેર કરવા અંગે બેઠકમાં ચર્ચા થઈ હતી. ટૂંક સમયમાં જ આ વિસ્તારોની યાદી જાહેર કરવામાં આવશે.