બે વર્ષની ખોટ બાદ આખરે અમદાવાદ મેટ્રો નફાના 'ટ્રેક' પર દોડી, રૂ. 239 કરોડનો નફો
Ahmedabad Metro: અમદાવાદ અને ગાંધીનગરના અનેક લોકો માટે હવે 'લાઈફલાઈન' બની ચૂકેલી મેટ્રો રેલ સતત બે વર્ષ ખોટ ખાધા બાદ નફાના ટ્રેકમાં દોડવા માંડી છે. નાણાકીય વર્ષમાં મેટ્રોની કુલ આવક 872 કરોડ રૂપિયા નોંધાઈ છે, જ્યારે ટેક્સ બાદનો નફો 238.93 કરોડ રૂપિયા છે. જેની સરખામણીએ પાછલા બે વર્ષમાં મેટ્રોને અનુક્રમે 46.53 રૂપિયા, 320.85 કરોડ રૂપિયાની ખોટ ખાવી પડી હતી.
એક વર્ષમાં 3 કરોડ મુસાફરો નોંધાયા
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનને નાણાકીય વર્ષ 2023-24માં નાણાકીય ખર્ચ 75.56 કરોડ રૂપિયાનો થયો હતો. જ્યારે ઘસારો 311.75 કરોડ રૂપિયાનો નોંધાયો હતો. વર્ષ 2023-24 સરવૈયા પ્રમાણે 6670.43 કરોડ રૂપિયાના નાણાકીય કામની કામગીરી ચાલી રહી છે. આ સમયગાળામાં ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં 1.99 કરોડ રૂપિયા અને નોર્થ-સાઉથ કોરિડોરમાં 94.18 લાખ એમ કુલ 2.93 કરોડ રૂપિયા મુસાફરો નોંધાયા છે. આવું દરરોજના સરેરાશ 80184 મુસાફરો નોંધાયા હતા.
મેટ્રોએ મુસાફરી થકી 37.96 કરોડ રૂપિયાની આવક થઈ છે. આ ઉપરાંત ભાડા સિવાયની આવક 2.55 કરોડ રૂપિયા છે. આ કમાણી તેણે મેટ્રો પર બ્રાન્ડની જાહેરખબર થકી મેળવેલી છે. મેટ્રોને કુલ 1820 ફરિયાદો મુસાફર પાસેથી મળી હતી. જેમાં સૌથી વધુ 1329 ફરિયાદ મુસાફરીને લગતી,137 સિવિલને લગતી, 95 સિક્યુરિટીને લગતી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર મેટ્રોનું આ સરવૈયું 2023-24નું છે. 2024-25માં મેટ્રોએ રૂટ વધાર્યા હોવાથી નફાનું પ્રમાણ હજુ પણ વધેલું જોવા મળે તેવી સંભાવના છે.
આ પણ વાંચો: ગુજરાતમાં બે દિવસ વરસાદનો આંશિક વિરામ, 4 સપ્ટેમ્બરથી ફરી અતિભારે વરસાદનું એલર્ટ
મેટ્રોને મુસાફરોથી થતી આવકમાં દર વર્ષે સરેરાશ 30 ટકા જેટલો વધારો થયો છે. વર્ષ 2023માં મેટ્રોની વાર્ષિક આવક 32.12 કરોડ રૂપિયા હતી અને તે વર્ષ 2024માં વધીને 43.62 કરોડ રૂપિયા થઈ હતી. બીજી તરફ આ વર્ષે પહેલા 6 મહિનામાં મેટ્રોને 27.13 કરોડ રૂપિયાની આવક થયેલી છે.