સસ્તામાં ડોલર મેળવવાની લાલચ આવી અમદાવાદના શખ્સે દસ લાખ ગુમાવ્યા
- 4 શખ્સ વિરૂદ્ધ લીંબડી પોલીસે ગુનો નોંધ્યો
- લીંબડીમાં 10 લાખ લઇ 18 હજાર ડોલર નહીં આપી આરોપીઓ ફરાર થયા : પોલીસે મોડસ ઓપરેન્ડીના આધારે તપાસ હાથ ધરી
લીંબડી : અમદાવાદના શખ્સે સસ્તામાં ડોલર મેળવવાની લાલચ આવીને દસ લાખ ગુમાવ્યા છે. આરોપીઓ પહેલા નાનો આર્થિક વ્યવહાર કરી વિશ્વાસ કેળવી મોટું ટ્રાન્ઝેક્શન કરવા લીંબડી બોલાવી દસ લાખ લઇ ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે અમદાવાદના શખ્સે લીંબડી પોલીસ મથકે ધનશ્યામભાઇ (રહે.ધોળકા), હરેશભાઇ (રહે.અલંગ), દિનેશભાઇ (રહે.ભાવનગર) રાહુલભાઇ (રહે.પીપાવાવ) સામે ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદ શાહીબાગમાં રહેતાં સુરેશભાઈ બાબુલાલભાઈ રાવને તેમના મિત્ર ઘનશ્યામભાઈ (રહે. ધોળકા)એ ફોન કરીને જણાવ્યું તમારા પર એક ભાઇનો ફોન આવશે અને ડોલર બદલવાની વાત કરશે તમે વાત કરી લેજો. બે દિવસ બાદ હરેશભાઈ (રહે. અલંગ)નો સુરેશભાઇ પર ફોન આવ્યો અને કહ્યું કે ઘનશ્યામભાઈ સાથે ડોલર બાબતે વાત થઇ હતી. તમે ડોલર બદલાવી આપશો તો કમિશન મળી જશે અને તમે રૂપિયા વાળા થઈ જશો
સુરેશભાઈએ તેમના મિત્ર અલ્પેશભાઈ મિસ્ત્રીને ડોલર બદલવા વાત કરતાં કહ્યું કે ડોલર ઓરીજનલ હશે તો બદલી જશે. ત્યાર બાદ સુરેશભાઈએ હરેશભાઈ (રહે. અલંગ)ને ફોન કરી બે પીસ જોવા માટે મંગાવતા બરવાળા મળવાનું નક્કી થયું. જ્યાં હરેશએ સુરેશભાઇને ૧૦૦, ૧૦૦ ડોલરની બે નોટ આપી અને તેમને ૧૦૦૦ હજાર રૂપિયા આપ્યા હતા અને બાકીના રૂપીયા ડોલર વટાવીને આપવાનું નક્કી કર્યું હતું. ત્યાર બાદ સુરેશભાઇ ૧૦૦-૧૦૦ દરની ડોલરની બે નોટ લઇને અમદાવાદ પરત આવ્યા અલ્પેશભાઈ મિસ્ત્રીને ડોલર વટાવા આપતે તેમણે ૧૦,૦૦૦ હજાર રૂપિયા સુરેશભાઇને આપ્યા હતા. સુરેશભાઇએ હરેશભાઇન ફોન કરી ડોલર ઓરીજનલ છ તેમ કહેતા હરેશે જણાવ્યું કે હજું ઘણા ડોલર પડયાં છે તમે અમને વટાવી આપજો. તેમજ હરેશે વોટસપ પર સ્કેનર મોકલતા સુરેશભાઇ ૧૦,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા.
ત્યાર બાદ હરેશભાઇએ સુરેશભાઇને ફોન જણાવ્યું કે તેઓ જેની પાસેથી ડોલર લાવે છે તે દિનેશભાઈ સાથે વાત કરો તેમ કહીને તેમણે મને દિનેશભાઈનો મોબાઈલ નંબર આપ્યો હતો. ત્યાર બાદ દિનેશનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું હું પીપાવાવથી દિનેશ બોલુ છું. તમારે હરેશ સાથે ડોલર બાબતે ન વાતચીત થઈ હતી તમે (સુરેશભાઇ)વધારે રૂપિયા લઈને આવો તમને ડોલર સસ્તા ભાવે આપીશ.
ત્યાર બાદ દિનેશભાઇ સાથે વાત કરતા રાહુલ ભાઇનો ફોન આવશે તેમ જણાવ્યું હતું. રાહુલભાઇએ સરેશભાઇને ફોન કરી જણાવ્યું કે દિનેશ મારો માણસ છે ડોલર જોઈતાં હોય તો મારો કોન્ટેક્ટ કરજો. ત્યાર બાદ સુરેશભાઇ અમદાવાદ પરત આવતા રહ્યાં હતા. બીજા દિવસે રાહુલે દસ લાખની સામે ૧૮ હજાર ડોલર આપવાની ડીલ કરી લીંબડીમાં ડોલર બદલાવાનું નક્કી થયું હતું. સુરેશભાઇ તેમના મિત્ર અલ્પેશભાઈ મિસ્ત્રી બંને અમદાવાદથી લીંબડી ૧૦ લાખ લઇને પહોંચ્યા હતા.
રાહુલભાઇને નાળા પાસે મળી ડોલર બતાવ્યા અને અલ્પેશભાઈએ ડોલર ચેક કરી સાચાં છે તેમ કહેતા સુરેશભાઇને બસ્ટેશનથી થોડે દૂર આગળ એક નાળા પાસે ડોલર આપવા બોલાવ્યા. રાહુલભાઇએ કહ્યું કે તમે પૈસા મને આપી દોે અને ગાડી પાસે જાવ હું ડોલર લઈને ત્યાં આવું છું તેમ કહેતાં વિશ્વાસમાં આવી ૧૦,૦૦,૦૦૦ આપી દીધા હતા.
થોડીવાર બાદ રાહુલનો ફોન નહીં આવતા સુરેશભાઇએ ફોન કરતા રાહુલભાઇનો ફોન બંધ આવ્યો હતો. થોડીવાર બાદ દિનેશભાઇનો ફોન આવતા સુરેશભાઇએ જણાવ્યું કે રાહુલભાઇ રૂપિયા લઇને નીકળી ગયા છે. તેમ કહેતા દિનશભાઇ ફોન કટ કરી નાખ્યો હતો. ત્યાર બાદ સુરેશભાઇને પોતાની સાથે ઠગાઇ થયાનો અહેસાસ થતાં લીંબડી પોલીસ મથકે ધનશ્યામભાઇ (રહે.ધોળકા), હરેશભાઇ (રહે.અલંગ), દિનેશભાઇ (રહે.ભાવનગર) રાહુલભાઇ (રહે.પીપાવાવ) સામે ફરિયાદ નોંધાવી છે.