Gujarat

...તો શું વધારે વજનને કારણે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું? તપાસ અધિકારીઓને આશંકા

By GS TEAM
18 Jun 20253 mins read
TukuTouch Logo
અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન બોઇંગ ડ્રીમલાઇનર ક્રેશ થતા અનેક લોકો માર્યા ગયા હતા. આ વિમાન ક્રેશ થવા પાછળ અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. હાલ આ વિમાન ક્રેશ થતા પાછળના કારણોની તપાસ ચાલી રહી છે. એવામાં તપાસકર્તાઓને એવી પણ શંકા છે કે શું આ વિમાને તેની ક્ષમતા કરતા વધુ વજન સાથે ઉડાન ભરી હતી? ભારત, અમેરિકા, બ્રિટનના ઉડ્ડયન ક્ષેત્રના નિષ્ણાતો તેમજ બોઇંગ કંપનીના અધિકારીઓ મળીને આ તપાસ કરી રહ્યા છે. જેમાં તમામ એંગલને ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

...તો શું વધારે વજનને કારણે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું? તપાસ અધિકારીઓને આશંકા

- એન્જિન, હાઇડ્રોલિક સિસ્ટમ, ઇલેક્ટ્રિકલ નિષ્ફળતાની તપાસ થશે

- પાયલોટના તાલિમ રેકોર્ડ, ટેકઓફ સમયે વિમાનનું કુલ વજન, ફ્લાઇટ ઓપરેશન ઓફિસર સહિતની વિગતો માગવામાં આવી 

- વિમાન ખાખ થઇ ગયું હોવાથી તપાસમાં વધુ સમય લાગી શકે છે, બ્લેકબોક્સ, ફ્લાઇટ ડેટા રેકોર્ડર, કોકપિટ રેકોર્ડર પર આધાર

- કેટલાક વિમાન અકસ્માત એટલા ભયાનક હોય છે કે બ્લેકબોક્સ તેની સુરક્ષાની ક્ષમતા ગુમાવી દે છે : નિષ્ણાતો

Ahmedabad Plane Crash News : અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન બોઇંગ ડ્રીમલાઇનર ક્રેશ થતા અનેક લોકો માર્યા ગયા હતા. આ વિમાન ક્રેશ થવા પાછળ અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. હાલ આ વિમાન ક્રેશ થતા પાછળના કારણોની તપાસ ચાલી રહી છે. એવામાં તપાસકર્તાઓને એવી પણ શંકા છે કે શું આ વિમાને તેની ક્ષમતા કરતા વધુ વજન સાથે ઉડાન ભરી હતી? ભારત, અમેરિકા, બ્રિટનના ઉડ્ડયન ક્ષેત્રના નિષ્ણાતો તેમજ બોઇંગ કંપનીના અધિકારીઓ મળીને આ તપાસ કરી રહ્યા છે. જેમાં તમામ એંગલને ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે.

ઉડ્ડયન ક્ષેત્રના નિષ્ણાત અને પૂર્વ પાયલોટ અમિતસિંહે કહ્યું હતું કે અકસ્માત બાદ ફ્લાઇટના ડેટા, કોકપિટ વોઇસ રેકોર્ડર્સ કે બ્લેક બોક્સ આ સમગ્ર ઘટના પાછળના કારણો તપાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે. કોકપિટ વોઇસ રેકોર્ડરમાં વિમાન ક્રેશ થયું તે પહેલા પાયલોટની વાતચીત, ઇમર્જન્સી એલાર્મ અને કોઇ પણ વાંધાજનક સિગ્નલ રેકોર્ડ થાય છે. જ્યારે વિમાનનું ડિજિટલ ફ્લાઇટ ડેટા રેકોર્ડર વિમાનના એન્જિન કે કન્ટ્રોલ સેટિંગની માહિતી રેકોર્ડ કરે છે. આ બન્ને ડિવાઇસ એવી રીતે તૈયાર કરાઇ હોય છે કે તે કોઇ પણ પ્રકારના ક્રેશને સહન કરવાની ક્ષમતા ધરાવે છે. અમિતસિંહે કહ્યું હતું કે ડેટા તમામ માહિતી બહાર લાવશે. તપાસ ટીમ પાયલોટને અપાયેલી તાલિમના રેકોર્ડની પણ તપાસ કરશે. આ ઉપરાંત વિમાનમાં ઉડાન સમયે મુસાફરો અને સામાન સહિત કેટલો વજન હતો વગેરેની પણ તપાસ કરાશે.  

ભારતના એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરોના પૂર્વ ડાયરેક્ટર અરવિંદ હાંડાએ કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જે માનક નક્કી કરાયા છે તેને ધ્યાનમાં રાખીને ટીમ તપાસ કરી રહી છે. જોકે આ તપાસમાં વધુ સમય લાગી શકે છે કેમ કે વિમાન સંપૂર્ણપણે ખાખ થઇ ગયું હતું. જે બ્લેકબોક્સ મળી આવ્યું છે તે યોગ્ય સ્થિતિમાં છે કે કેમ તે પણ મહત્વનું છે કેમ કે ક્રેશ સમયે જે ઉંચાઇ પર તાપમાન પહોંચે છે તે બ્લેકબોક્સની સહન કરવાની ક્ષમતા કરતા પણ વધુ હોઇ શકે છે. કમર્શિયલ એરલાઇનના પાયલોટ સ્ટીવ સચરીબરે કહ્યું હતું કે નવો એચડી ક્વોલિટી વીડિયો ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. જેને જોતા એવુ લાગી રહ્યું છે કે વિમાનના બન્ને એન્જિન ફેઇલ થઇ ગયા હોવાથી ક્રેશ થયું હોઇ શકે છે. આ ઉપરાંત એક સાથે તમામ ઇલેક્ટ્રિકલ નિષ્ફળતા, હાઇડ્રોલિક નિષ્ફળતા અને ડયુઅલ એન્જિન નિષ્ફળતા આ ત્રણ કારણો જવાબદાર હોઇ શકે છે.   

બીજી તરફ ડીજીસીએએ એર ઇન્ડિયા પાસેથી પાયલોટની તાલિમ સહિતના ડેટા માગ્યા છે. આ ઉપરાંત અમદાવાદમાં જે વિમાન ક્રેશ થયું હતું તેના ડિસપેચર એટલે કે ફ્લાઇટ ઓપરેશન ઓફિસરની વિગતો પણ માગવામાં આવી છે. સાથે જ તમામ ફ્લાઇંગ સ્કૂલો અને એરપોર્ટ્સને તાલિમના ધારાધોરણોને ચકાસવા માટે પણ કહ્યું છે. છેલ્લા કેટલાક મહિનામાં એર ઇન્ડિયાને ડીજીસીએ દ્વારા જે પણ ઓડિટ કરાઇ તેનું પાલન થયું છે કે કેમ તેનો રિપોર્ટ પણ માગવામાં આવ્યો હતો.