મણિપુર ગામની સીમમાં આવેલા પ્રાર્થના ઉપવન જલધારા હોલી ડેના મકાનમાંથી દારૂ-બિયરનો રૂપિયા 9.50 લાખનો જથ્થો જપ્ત કરાયો
image : Freepik
- પિતા અને પુત્ર અન્ય સગા સાથે મળીને દારૂન મોટાપાયે ગેરકાયદેસર વેપલો કરતા હતા
- અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ આઠ લોકોને ઝડપીને કાર્યવાહી કરી
અમદાવાદ,તા.23 ફેબ્રૂઆરી,શુક્રવાર
અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચના સ્ટાફે ગુરૂવારે રાતના સમયે મણિપુર ગામની સીમમાં આવેલા પ્રાર્થના ઉપવન જલધારા હોલી ડે રિસોર્ટમાં આવેલા એક મકાનમાં દરોડો પાડીને રૂપિયા સાડા નવ લાખની કિંમતના દારૂ બિયરના જથ્થા સાથે કુલ 14.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને મુખ્ય બુટલગરો સહિત કુલ આઠ લોકોની ધરપકડ કરી હતી.
અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચના સ્ટાફને બાતમી મળી હતી કે ઇશ્વરસિંહ સોસોદીયા (રહે. અદવાસ, ઉદેપુર, રાજસ્થાન) તેના પિતા શંભુસિંહ અને સાળા કરણસિંહ સાથે મળીને મણિપુરમાં આવેલા પ્રાર્થના ઉપવન જલધારા હોલી ડે રિસોર્ટમાં મકાન ભાડે રાખીને દારૂનો મોટો જથ્થો મુકીને આસપાસના વિસ્તારમાં મોટાપાયે સપ્લાય કરે છે. આ બાતમીને આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે તપાસ કરતા દારૂને બીજા વાહનમાંથી ખાલી કરવામાં આવી રહ્યો હતો. તપાસ કરતા પોલીસને કુલ દારૂ અને બિયરની કુલ 4281 બોટલ મળી આવી હતી. જેની કિંમત 9.50 લાખ જેટલી થાય છે. સાથેસાથે બે ગાડીઓ પણ મળી આવી હતી. આ અંગે પોલીસે શુંભુસિંહ સિસોદીયા, કરણસિંહ રાઠોડ સહિત આઠ લોકોની ધરપકડ કરી હતી. છેલ્લાં ઘણા સમયથી બુટલેગરો બોપલ, ઘુમા અને આસપાસમાં મોટાપાયે દારૂ સપ્લાય કરતા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.