અમદાવાદમાં એલસીબીએ 23.92 લાખની આઠ હજાર કરતાં વધુ વિદેશી દારૂની બોટલો પકડી
એલસીબીએ દારૂની બોટલો સહતિ ટ્રક અને ઈકો ગાડીનો કબજો લઈને 35 લાખની વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
અમદાવાદઃ શહેરમાં વિદેશી દારૂ અને ડ્રગ્સની હેરાફેરીની ઘટનાઓ વધી રહી છે. ગઈકાલે જ એક્સપ્રેસ હાઈવે પરથી ત્રણ કિલો ગાંજો ઝડપાયાની ઘટના સામે આવી છે. ત્યારે આજે કપાસની ગાંસડીની આડમાં ગોડાઉન તથા ટ્રકની અંદર રાખેલ વિદેશી દારૂનો એલસીબી ઝોન-1 દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં આગામી રથયાત્રાને લઈને પોલીસનું જડબેસલાક ચેકિંગ ચાલી રહ્યું છે. શહેરમાં કોઈપણ ગુનેગાર કે બુટલેગર દારૂ કે ડ્રગ્સની હેરાફેરી કરતા હોય તેમની પર નજર રાખવા સૂચનાઓ આપી દેવાઈ છે. ત્યારે શહેરમાં ઝોન-1 એલસીબીના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન તેમને વિદેશી દારૂના જથ્થા અંગેની બાતમી મળી હતી. બાતમીને આધારે ગોતામાં વિસત એસ્ટેટમાં સ્થિત જય અંબે ગ્રેનાઈટ માર્બલ કંપાઉન્ડ ખાતે રેઈડ કરી હતી.
આ રેઈડ દરમિયાન કપાસની ગાંસડીની આડમાં ગોડાઉનમાં છુપાવીને રાખેલો ભારતીય બનાવટના વિદેશી દારૂની 8376 બોટલો મળી હતી. જેની કિંમત 23.92 લાખ થાય છે. એલસીબીના કર્મચારીઓએ દારૂની બોટલો સહિત 10 લાખની કિંમતનો ટ્રક, ખોટી નંબર પ્લેટ લગાવેલી ઈકો ગાડી મળીને કુલ 35.42 લાખનો મુ્દ્દામાલ કબજે કર્યો હતો. તે ઉપરાંત ત્રણ વોન્ટેડ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ટ્રકનો ચાલક, વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર તથા ગોડાઉન રાખનાર, ગ્રેનાઈટ માર્બલના ગોડાઉનનો કબજો ધરાવનાર તથા વિદેશી દારૂનો જથ્થો લેવા આવનાર ઈકો ગાડીના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.