Gujarat

અમદાવાદના કુબેરનગરમાં ભગવતી સ્કૂલની માન્યતા રદ, 1000 વિદ્યાર્થીને અન્ય ટ્રાન્સફર કરાશે

By GS TEAM
8 Nov 20252 mins read
TukuTouch Logo
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા અમદાવાદ પૂર્વમાં કુબેરનગર વિસ્તારમાં આવેલી ભગવતી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી છે. જેથી બોર્ડના આદેશ મુજબ બીજુ શૈક્ષણિક સત્ર શરૂ થતા જ અમદાવાદ શહેરના ડીઈઓ દ્વારા સ્કૂલના 1000 જેટલા વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. માન્યતા રદ થતા હવે આ સ્કૂલમાં ભણતા ધો.10 અને 12ના વિદ્યાર્થીઓના બોર્ડ પરીક્ષાના ફોર્મ પણ આ સ્કૂલમાંથી નહીં ભરાય. જે સ્કૂલમાં ફાળવાશે તે સ્કૂલમાંથી જ ફોર્મ ભરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના કુબેરનગરમાં ભગવતી સ્કૂલની માન્યતા રદ, 1000 વિદ્યાર્થીને અન્ય ટ્રાન્સફર કરાશે

Bhagwati School Ahmedabad: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા અમદાવાદ પૂર્વમાં કુબેરનગર વિસ્તારમાં આવેલી ભગવતી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી છે. જેથી બોર્ડના આદેશ મુજબ બીજુ શૈક્ષણિક સત્ર શરૂ થતા જ અમદાવાદ શહેરના ડીઈઓ દ્વારા સ્કૂલના 1000 જેટલા વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. માન્યતા રદ થતા હવે આ સ્કૂલમાં ભણતા ધો.10 અને 12ના વિદ્યાર્થીઓના બોર્ડ પરીક્ષાના ફોર્મ પણ આ સ્કૂલમાંથી નહીં ભરાય. જે સ્કૂલમાં ફાળવાશે તે સ્કૂલમાંથી જ ફોર્મ ભરાશે.

નિયમ વિરુદ્ધ ફી ઉઘરાવવાની ફરિયાદ

અમદાવાદમાં કુબેનગર વિસ્તારમાં ભાર્ગવ રોડ પર આવેલી સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચલાતિ ભગવતી હિન્દી હાઈસ્કૂલ સામે અનેક ફરિયાદો બાદ અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા સ્થળ તપાસ અને ડોક્યુમેન્ટ ચકાસણી કરાઈ હતી. જેમાં રીપિટરોને નિયમિત વિદ્યાર્થીઓ તરીકે સ્કૂલમાં નોંધીને શિક્ષકની ભરતી માટે એનઓસી લેવાઈ ઉપરાંત નિયમ વિરૂદ્ધ ફી લેવામાં આવતી હોવા સહિતની ગેરરીતિ સામે આવી હતી. 

શિક્ષક ભરતી માટે ખોટી રીતે NOC મેળવાઈ

ધો.9 અને 10ના વિદ્યાર્થીઓની ખોટી સંખ્યા દર્શાવી શિક્ષકની ભરતી માટે ખોટી રીતે એનઓસી પણ લેવામાં આવી હતી. સ્કૂલ દ્વારા 4 ખોટી એનઓસી માટે ભરતી સંબંધે જાહેરાત અપાઈ હોવાનું પણ તપાસમાં આવ્યું હતું. આમ આ પ્રકારની વિવિધ ગેરરીતિને લઈને શહેર ડીઈઓ દ્વારા ભલામણ સાથેનો રિપોર્ટ કર્યો હતો. સુનાવણી સહિતની પ્રક્રિયા પૂર્ણ કરીને શિક્ષણ બોર્ડને માન્યતા રદ કરવાની ભલામણ સાથેનો રિપોર્ટ કર્યો હતો. 

શિક્ષણ બોર્ડે માન્યતા રદ કરવાનો આદેશ આપ્યો

ડીઈઓના રિપોર્ટના પગલે ગુજરાત શિક્ષણ બોર્ડે દિવાળી પહેલા જ માન્યતા રદ કરવાની વિધિવત પ્રક્રિયા કરવા આદેશ કરતો પરિપત્ર કરી દેવાયો હતો. પરંતુ 13 ઓક્ટોબરથી વિદ્યાર્થીઓની સત્રાંત પરીક્ષા શરૂ થતી હોઈ અને ત્યારબાદ દિવાળી વેકેશન હોવાથી બીજુ સત્ર પુરુ થતા સ્કૂલની માન્યતા રદ કરવાની અને આ સ્કૂલના બાળકોને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરવા સહિતની કાર્યવાહી પૂર્ણ કરવા બોર્ડે ડીઈઓને આદેશ કર્યો હતો. જેને પગલે અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા બે નોડલ અધિકારી નિમવામાં આવ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં SG હાઈવે પર ગમખ્વાર અકસ્માત, કાર-ટ્રક વચ્ચે ટક્કર, એકનું મોત, 3 ઈજાગ્રસ્ત

તેમજ આ સ્કૂલમાં ધો.9 થી 12માં ભણતા 1000 જેટલા વિદ્યાર્થીઓને અન્ય ટ્રાન્સફર કરવા માટે પ્રક્રિયા શરૂ કરાઈ છે. જેમાં આ જ વિસ્તારની આસપાસની પાંચ જેટલી અન્ય સ્કૂલોમાં બાળકોને ટ્રાન્સફર કરાશે. જે માટે વાલીઓ સાથે બેઠક પણ કરવામાં આવશે. આ ઉપરાંત આ ગ્રાન્ટેડ સ્કૂલમાં ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફના 29 જેટલા કર્મચારીને પણ અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરવામાં આવશે.આ સ્કૂલમાં ભણતા ધો.10 અને 12ના વિદ્યાર્થીઓના બોર્ડ પરીક્ષાના ફોર્મ પણ હવે સ્કૂલમાંથી નહીં ભરવામાં આવે. અન્ય સ્કૂલમાંથી ફોર્મ ભરાશે.