Gujarat

અમદાવાદમાં જગન્નાથ મંદિરની 60 કરોડની જમીન બારોબાર વેચાઈ ગઈ, જૂનો વિવાદ ફરી જાગ્યો

By GS TEAM
8 Apr 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરની 60 કરોડની જમીન બારોબાર વેચાઈ હોવાના આક્ષેપ સાથે વિવાદ જાગ્યો છે. જાણો શું છે સમગ્ર મામલો, 38 કરોડની ગોબાચારીના આક્ષેપો અને આ અંગે મહંત દિલીપદાસજીએ શું કહ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં જગન્નાથ મંદિરની 60 કરોડની જમીન બારોબાર વેચાઈ ગઈ, જૂનો વિવાદ ફરી જાગ્યો
 AI IMAGE

Ahmedabad News : અમદાવાદની શાન ગણાતા જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિરની જમીનને લઈને વિવાદ ફરી એકવાર ઉભો થયો છે. આક્ષેપ છે કે, મંદિરના ટ્રસ્ટીઓએ અંદાજે 60 કરોડ રૂપિયાની કિંમતની જમીન નિયમોને નેવે મૂકીને બારોબાર વેચી દીધી છે. આ મામલે હવે સામાજિક કાર્યકરો દ્વારા મંદિરનો વહીવટ સરકાર હસ્તક લેવાની માંગ ઉગ્ર બની છે.

શું છે સમગ્ર વિવાદ?

મળતી માહિતી મુજબ, વર્ષ 1992માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહેરામપુરા વિસ્તારમાં નરસિંહદાસજી ગૌસેવા ટ્રસ્ટને અંદાજે 1.50 લાખ ચોરસ વાર જમીન ફાળવવામાં આવી હતી. આ જમીનની કુલ કિંમત હાલ 450 કરોડ રૂપિયાની આસપાસ થાય છે. આક્ષેપ એવો છે કે, આ જમીનમાંથી 28,000 ચોરસ વાર જમીન વર્ષ 2018માં ટ્રસ્ટીઓએ ખાનગી રાહે વેચી દીધી હતી. આ જમીનનો સોદો પડદા પાછળ 45 કરોડ રૂપિયામાં થયો હોવાનું કહેવાય છે. સરકારી દસ્તાવેજો અને રેકોર્ડ પર માત્ર 7 કરોડ રૂપિયા જ દર્શાવવામાં આવ્યા છે. બાકીના 38 કરોડ રૂપિયા બારોબાર ગાયબ કરી દેવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગોપાલ ઈટાલિયાની વધશે મુશ્કેલી! મહેસાણાની કોર્ટે ઈશ્યૂ કર્યું નોન-બેઈલેબલ વોરન્ટ, જાણો સમગ્ર મામલો

વહીવટ સરકારને સોંપવાની માંગ

સામાજિક કાર્યકરોનું કહેવું છે કે, મંદિરના ટ્રસ્ટમાં ચાલી રહેલી આ કથિત ગોટાળાને રોકવા માટે સરકાર હસ્તક્ષેપ કરે તે જરૂરી છે. જે રીતે અન્ય મોટા મંદિરોનો વહીવટ સરકાર હસ્તક છે, તેવી જ રીતે જગન્નાથ મંદિરનો વહીવટ પણ સરકાર પોતાના હસ્તક લે તેવી માંગ કરવામાં આવી રહી છે.

ટ્રસ્ટી અને મહંતનો પક્ષ

બીજી તરફ, આ વિવાદ અંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ સ્પષ્ટતા કરી છે કે, આ સમગ્ર મેટર હાલ ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહી છે. અગાઉ ચેરિટી કમિશનરના ચૂકાદા પર હાઈકોર્ટે સ્ટે આપેલો છે. ન્યાયતંત્ર પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે અને હાઈકોર્ટ જે પણ નિર્ણય લેશે તે અમને શિરોમાન્ય રહેશે. હાલમાં આ મામલો ન્યાયાધીન હોવાથી આગામી સમયમાં કોર્ટનો ચૂકાદો આ વિવાદમાં નિર્ણાયક સાબિત થશે.