Land Fraud in Ahmedabad: અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં IT કંપની ધરાવતા એક વેપારીને રાજસ્થાનમાં જમીન ખરીદવી ભારે પડી છે. જમીનના અસલી વારસદારોની વિગતો છુપાવી અને ખોટા દસ્તાવેજોના આધારે વેપારી સાથે રૂ. 6.90 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ કેસમાં પોલીસે કુલ 9 શખ્સો વિરુદ્ધ વિશ્વાસઘાત અને કાવતરાનો ગુનો દાખલ કર્યો છે.
પ્રોજેક્ટ માટે જમીન શોધતા વેપારી બન્યા ભોગ
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના શેલા વિસ્તારમાં રહેતા 44 વર્ષીય બલરામભાઈ ભરતભાઈ પઢીયાર સેટેલાઇટમાં IT કંપની ચલાવે છે. તેઓને તેમના વ્યવસાયિક પ્રોજેક્ટ માટે રાજસ્થાનના પાલી જિલ્લાના દેસુરી તાલુકામાં જમીનની જરૂર હતી. આ દરમિયાન તેમનો સંપર્ક ગણપતસિંહ ભોપાલસિંહ રાજપૂત અને પ્રધ્યુમનસિંહ શક્તાવત સાથે થયો હતો. આ શખ્સોએ મોજે-અણેવા ગામની કુલ 1-84-00 હેક્ટર જમીન વેચવાની દરખાસ્ત મૂકી હતી.
કેવી રીતે આચરવામાં આવ્યું કૌભાંડ?
આરોપીઓએ વેપારીને ખાતરી આપી હતી કે જમીનના ટાઇટલ સંપૂર્ણ ક્લિયર છે અને કોઈ પણ વિવાદ નથી. વેપારીએ રૂ. 6.90 લાખમાં સોદો નક્કી કરી 1.50 લાખ રોકડા અને બાકીની રકમ RTGS મારફતે ચૂકવી હતી. મે 2024માં જમીનનો દસ્તાવેજ પણ કરી દેવાયો હતો.
સપ્ટેમ્બર 2025માં જ્યારે વેપારીને એક લીગલ નોટિસ મળી, ત્યારે જાણવા મળ્યું કે જમીનના અસલી વારસદાર ઓગડરામ અને તેમના પરિવારનું નામ જાણીજોઈને છુપાવવામાં આવ્યું હતું.
વારસાઈ હક છુપાવી છેતરપિંડી
તપાસમાં સામે આવ્યું કે જમીનના મૂળ માલિક સ્વ. કીકારામ નાઈના વારસદારોએ પહેલેથી જ ડેપ્યુટી કલેક્ટર દેસુરી સમક્ષ આ જમીન અંગે દાવો દાખલ કરેલો હતો. આરોપીઓએ આ હકીકત છુપાવી ખોટા સોગંદનામા અને દસ્તાવેજો ઊભા કરી બલરામભાઈને જમીન પધરાવી દીધી હતી.
9 શખ્સો વિરુદ્ધ ફરિયાદ
અમદાવાદ શહેર પોલીસ કમિશનરની મંજૂરી બાદ 1 જાન્યુઆરી 2026ના રોજ આ મામલે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગણપતસિંહ રાજપૂત, પ્રધ્યુમનસિંહ શક્તાવત, કરણસિંહ રાજપુરોહિત, વિરમસિંહ રાજપુરોહિત સહિત કુલ 9 લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીઓની યાદી
ગણપતસિંહ ભોપાલસિંહ રાજપૂત
પ્રધ્યુમનસિંહ શક્તાવત
કરણસિંહ રાજપુરોહિત
વિરમસિંહ રાજપુરોહિત (તથા અન્ય પાંચ શખ્સો)


