અમદાવાદને સિસ્મિક ઝોન-ચારમાં મુકાતા શહેરના તમામ બ્રિજનું સ્ટ્રેન્થનિંગ પર ધ્યાન કેન્દ્રીત કરવું પડશે

અમદાવાદ,શનિવાર,13
ડિસેમ્બર,2025
અમદાવાદના ૧૬ જુના બ્રિજ ઉપર રુપિયા ત્રણ કરોડના ખર્ચથી
હાઈટ બેરીયર લગાવવાનો નિર્ણય કરાયો છે.
કેન્દ્ર સરકારના ધ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા અમદાવાદને સિસ્મિક
ઝોન-ત્રણમાંથી ઝોન ચારમા મુકવામા આવ્યુ છે. આ કારણથી આગામી સમયમા શહેરના તમામ
રિવરબ્રિજ, રેલવે
ઓવરબ્રિજના સ્ટ્રેન્થનિંગ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવુ પડશે. અમદાવાદના સિસ્મિક ઝોનમા
ફેરફાર કરવા પાછળનુ એક કારણ અમદાવાદ-મુંબઈ વચ્ચે આગામી વર્ષમાં શરુ થનારી હાઈસ્પીડ
બુલેટ ટ્રેન હોવાનુ પણ માનવામા આવી રહયુ છે.મે-૨૦૨૬થી અમદાવાદમાં સિસ્મિક ઝોન-ચાર
મુજબ જ બિલ્ડિંગોની સ્ટ્રકચરલ ડિઝાઈન એપ્રુવ કરવામા આવશે તેમ આધારભૂત સૂત્રોમાંથી
જાણવા મળ્યુ છે.
ઈન્ડિયન સ્ટાન્ડર્ડ-૧૮૯૩માં સમયની માંગ મુજબ વખતોવખત ફેરફાર કે સુધારા
અમલમા મુકાતા ગયા છે.વર્ષ-૨૦૦૧માં રાજયમાં આવેલા વિનાશક ભૂકંપ પછી અમદાવાદને
સિસ્મિક ઝોન ત્રણમાં મુકવામા આવ્યુ હતુ. જે હવે
નવા રીકલાસીફિકેશન પછી સિસ્મિક ઝોન-ચારમા મુકવામા આવ્યુ છે. સિસ્મિક ઝોન
બદલાવાથી શહેરના વિવિધ વિસ્તારમા આવેલા રિવરબ્રિજ ઉપરાંત રેલવે ઓવરબ્રિજને પુશઓવર
મેથડથી એનાલીસીસ કરી પ્રાયોરીટી બેઝથી બ્રિજના સ્ટ્રેન્થનિંગની કામગીરી કરવી જરુરી
બનશે.સિસ્મિક ડીઝાઈન પેરામીટર તમામ પ્રકારના નવા ઈન્ફ્રાસ્ટ્રકચર જેમાં બ્રિજનો પણ
સમાવેશ થાય છે તેમા નવા નિયમ મુજબ કામગીરી કરાવવી પડશે.અમદાવાદના જે ૧૬ બ્રિજ ઉપર
હાઈટ બેરીયર લગાવવા નિર્ણય કરાયો છે તે પાછળ બ્રિજની લોડ કેપેસીટીમા કરાયેલો વધારો
કારણભૂત હોવાનુ તંત્ર તરફથી કહેવાઈ રહયુ છે. વર્ષ-૧૯૭૩માં શહેરમાં બનાવાયેલ
સુભાષબ્રિજ ઉપર તે સમયે બ્રિજ ઉપરથી પસાર થતા ભારે વાહનો તથા બ્રિજની લોડીંગ
કેપેસીટીની તુલનામા હાલમાં ૩૦૦ ટન કેપેસીટીના વાહનો બ્રિજ ઉપરથી પસાર થતા હોવાના
કારણે આ બ્રિજ સહિત ૧૬ બ્રિજ ઉપર હાઈટ બેરીયર લગાવવાનો નિર્ણય લેવો પડયો છે.
૧૬ બ્રિજ ઉપર હાઈટ બેરીયર લગાવતા પહેલાં શું કાર્યવાહી
કરાશે?
૧.તમામ ૧૬ બ્રિજ ઉપર હેવી લોડેડ વાહનોને પ્રતિબંધિત કરતા
પહેલા વૈકલ્પિક માર્ગ વ્યવસ્થા સાથેનુ જાહેરનામુ બહાર પડાશે.
૨.આ ૧૬ બ્રિજ ઉપરથી એ.એમ.ટી.એસ.,બી.આર.ટી.એસ કે
લકઝરી જેવા પેસેન્જર વાહન પસાર થઈ શકશે.
૩.જે તે બ્રિજની લોડીંગ કેપેસીટી અનુસાર જ વાહનોની અવરજવર
થાય એ માટે અલગ રૃટ જાહેર કરવામા આવશે.
સુભાષબ્રિજ અંગે સૌ પહેલી જાણ સફાઈ કામદારે કરી હતી
૪ ડિસેમ્બરથી સુભાષબ્રિજ તમામ પ્રકારની અવર જવર માટે બંધ
કરાયો છે.કોર્પોરેશનના બ્રિજ પ્રોજેકટ વિભાગ દ્વારા બ્રિજ ઉપર ઉગી નીકળતી વનસ્પતિ
સાફ કરવા સફાઈ કામદારને ફરજ સોંપાઈ હતી. આ સફાઈ કામદારનુ ધ્યાન બ્રિજ ઉપર પડેલી
તિરાડ ઉપર પડતા તેણે તાકીદે બ્રિજ ઉપરની તિરાડના ફોટો અને વિડીયો લઈ બ્રિજ
પ્રોજેકટ વિભાગના ઉચ્ચ અધિકારીઓને મોકલતા અધિકારીઓ ગણતરીની મિનિટોમા બ્રિજ ઉપર
પહોંચ્યા હતા અને પોલીસની મદદ લઈ તાત્કાલિક બ્રિજ ઉપરની અવરજવર બંધ કરાવાઈ હતી.
૨૫ ડિસેમ્બર પછી પણ સુભાષબ્રિજ ચાલુ થવાની સંભાવના નથી
સુભાષબ્રિજ બંધ કરાયા પછી કોર્પોરેશન તરફથી એમ પેનલ કરાયેલ એજન્સીઓ
પાસેથી ઈન્સપેકશન કરાવાયુ છે. ઉપરાંત રાજય સરકારના આર.એન્ડ બી.વિભાગ તેમજ સુરત સ્થિત
સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીયુટ ઓફ ટેકનોલોજી, આઈ.આઈ.ટી. રુરકી તેમજ આઈ.આઈ.ટી. મુંબઈ પાસેથી ડીટેઈલ ઈન્સપેકશન
કરાવાયુ છે. આ તમામ ટીમો પરત ફરી ગઈ છે.હાલમા બ્રિજ નીચે નદીના ભાગમા ફાઉન્ડેશનને લઈ
ઈન્સ્પેકશનની કામગીરી ચાલી રહી છે. ૨૫ ડિસેમ્બર પછી પણ સુભાષબ્રિજ ચાલુ થવાની સંભાવના
નથી. આ પાછળનુ મુખ્ય કારણ કોર્પોરેશન તંત્ર બ્રિજમા જે કાંઈ ખામી જોવા મળી.જે ઈન્સપેકશન
રીપોર્ટ આવશે તે મુજબ સંપૂર્ણપણે રીપેર કર્યા વગર બ્રિજ રાબેતામુજબ કરવા માંગતુ નથી.
સિસ્મિક ઝોન-ચાર એટલે શું?
બી.આઈ.એસ. દ્વારા અમદાવાદને સિસ્મિક
ઝોન-ત્રણમાંથી ઝોન-ચાર એટલે કે વધુ સંવેદનશીલ કેટેગરીમા મુકવામા આવ્યુ
છે.વર્ષ-૨૦૦૧મા રાજયમા આવેલા વિનાશક ભૂકંપને પગલે અમદાવાદમા પણ અનેક ઈમારતો
ધરાશાયી થઈ હતી.૯૦૦થી વધુ લોકોના ભૂકંપમાં મોત થયા હતા.આ બાબતની ગંભીરતાને ધ્યાનમા
લઈ અમદાવાદને સિસ્મિક ઝોન-ચારમા મુકવામા આવ્યુ છે.
અમદાવાદમા પ્રોપર્ટીના ભાવમાં ઉછાળો આવશે
મે-૨૦૨૬થી અમદાવાદમા તમામ બિલ્ડિંગ
સિસ્મિક-ઝોન-ચારની ગાઈડલાઈન મુજબ ડિઝાઈન એપ્રુવ કરાવ્યા પછી બનાવાના રહેશે.નવા
નિયમ લાગૂ થયા પછી સ્ટ્રકચરલ એન્જિનીયરોએ બિલ્ડિંગો માટે એવી ડિઝાઈન તૈયાર કરવી
પડશે કે જે રિચર સ્કેલ ઉપર શકિતશાળી ભૂકંપના ઝટકા સામે ટકી શકે. આ માટે બાંધકામ
સામગ્રીના ઉપયોગમા પણ વધારો કરવો પડશે. એક અનુમાન મુજબ નવા નિયમ લાગૂ પડયા પછી
અમદાવાદમા પ્રોપર્ટીના ભાવમાં ૨૦થી ૨૫ ટકા સુધીનો ઉછાળો આવવાની સંભાવના છે.








