Get The App

અમદાવાદ રિવરફ્રન્ટ પર 'મર્દાની'એ લડાવ્યા પેચ, ઈમરાન હાશ્મી અમદાવાદની સંસ્કૃતિ પર ફિદા!

Updated: Jan 13th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ રિવરફ્રન્ટ પર 'મર્દાની'એ લડાવ્યા પેચ, ઈમરાન હાશ્મી અમદાવાદની સંસ્કૃતિ પર ફિદા! 1 - image


Ahmedabad Kite Festival: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ચાલી રહેલા 'ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ'માં અત્યારે માત્ર પતંગો જ નહીં, પણ બોલિવૂડના સિતારાઓ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ઉત્તરાયણ પૂર્વે જ અમદાવાદમાં તહેવાર જેવો માહોલ જામ્યો છે, જેમાં બોલિવૂડની 'મર્દાની' રાની મુખર્જી અને જાણીતા એક્ટર ઈમરાન હાશ્મીની હાજરીએ અમદાવાદીઓના ઉત્સાહને સાતમા આસમાને પહોંચાડી દીધો છે.

રાની મુખર્જીએ હેરિટેજ પોળમાં માણી સંસ્કૃતિની મજા

ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલના બીજા દિવસે બોલિવૂડ ક્વીન રાની મુખર્જીએ હાજરી આપી હતી. AMCના અધિકારીઓ સાથે પતંગ ચગાવ્યા બાદ રાનીએ પતંગબાજોની વચ્ચે જઈને પેચ પણ લડાવ્યા હતા. તેની એક ઝલક મેળવવા રિવરફ્રન્ટ પર ભારે ભીડ ઉમટી પડી હતી. પતંગોત્સવનો આનંદ માણ્યા બાદ રાનીએ અમદાવાદની ઐતિહાસિક હેરિટેજ પોળની મુલાકાત લીધી હતી. અહીં તેણે શહેરની પ્રાચીન સંસ્કૃતિ અને સ્થાપત્યને નજીકથી નિહાળીને ભારે આનંદ વ્યક્ત કર્યો હતો.

પતંગબાજીનો શોખ

ઉત્તરાયણ વિશે વાત કરતા ઈમરાને જણાવ્યું કે, "મને બાળપણમાં પતંગ ઉડાડવાનો ખૂબ જ શોખ હતો. લાંબા સમય પછી તાજેતરમાં જ મારી ફિલ્મ 'હક'ના શૂટિંગ દરમિયાન મારે પતંગ ઉડાડવાનો શૉટ આપવાનો હતો, જેનાથી મારી જૂની યાદો તાજી થઈ ગઈ. અમદાવાદમાં પતંગ ઉડાડવાની મારી બહુ ઈચ્છા છે."

અમદાવાદ - સંસ્કૃતિનું મેલ્ટિંગ પોટ: 

ઈમરાન હાશ્મીએ અમદાવાદના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અને તેમાં ઉભા કરાયેલા મીની પોળના એટલે કે અમદાવાદના હેરિટેજ લુકના વખાણ કર્યા હતા, ઈમરાને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજનથી પ્રભાવિત થઈને કહ્યું કે, "આ ફેસ્ટિવલ વિવિધ સંસ્કૃતિઓનું એક 'મેલ્ટિંગ પોટ' છે. અહીં 40થી 50 દેશોના પતંગબાજો પોતાની કળા બતાવે છે, જે ભારતની સંસ્કૃતિને વિશ્વ સ્તરે મજબૂત ઓળખ આપે છે. હું અહીંના રંગો અને ઉત્સાહ જોઈને ખરેખર ખૂબ જ ઉત્સાહિત છું." તેણે વધુમાં ઉમેર્યું કે તે કામના અર્થે ઘણીવાર અમદાવાદ આવે છે, પરંતુ આ વખતે પતંગોત્સવના માહોલે તેનું દિલ જીતી લીધું છે.

આ બંને કલાકારોની મુલાકાતે સાબિત કરી દીધું છે કે અમદાવાદનો પતંગોત્સવ માત્ર રમત નથી, પરંતુ સંસ્કૃતિ અને મનોરંજનનો એક અનોખો સંગમ છે.