Get The App

અમદાવાદમાં ગેરકાયદેસર ક્લિનિકલ ટ્રાયલનો વેપલો, નાણાની લાલચમાં બેરોજગારો બન્યા ‘ગીનીપીગ’

Updated: Oct 8th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં ગેરકાયદેસર ક્લિનિકલ ટ્રાયલનો વેપલો, નાણાની લાલચમાં બેરોજગારો બન્યા ‘ગીનીપીગ’ 1 - image

Clinical Tial News : ફાર્મા ઉદ્યોગમાં ગુજરાતનું એક તરફ વર્ચસ્વ વધતું જાય છે, ત્યારે બીજી તરફ રાજ્યના મુખ્ય શહેર અમદાવાદમાં ગેરકાયદેસર ક્લિનિકલ ટ્રાયલનો ધંધો ફૂલ્યોફાલ્યો છે. ગરીબી અને બેરોજગારીથી પીડાતા યુવાઓ જ નહીં, પરંતુ મહિલાઓ પણ કેન્સર, માનસિક રોગ સહિતની દવાઓના ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લઈને પૈસા કમાવવા મજબૂર બની છે. છેલ્લાં ઘણાં સમયથી ફાર્મા કંપનીઓ ક્લિનિકલ ટ્રાયલ થકી ગુજરાતમાં કાળી કમાણી કરી રહી હોવાનું સામે આવ્યું છે.

વાત એમ છે કે, ફાર્મા કંપનીઓએ વિદેશમાં ક્લિનિકલ ટ્રાયલ મોંઘા પડે છે કારણ કે, ત્યાં લોકજાગૃતિ છે. એટલે વૉલિયન્ટર્સને મોં માગ્યા પૈસા આપવા પડે છે.  આ ઉપરાંત વૉલિયન્ટરને જોઇતી સુવિધા પણ આપવી પડે છે. જો કે, ભારતમાં ઊલટી સ્થિતિ છે. અહીં તો ગરીબાઈ અને બેરોજગારીથી કંટાળીને અનેક લોકો સામે ચાલીને ક્લિનિકલ ટ્રાયલ કરાવવા જાય છે. છેલ્લાં ઘણાં વખતથી ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લેનારાં બેરોજગાર પુરુષો કરતાં મહિલાઓનું પ્રમાણ વધ્યું છે, જે ચિંતાનો વિષય છે. 

ક્રાઇમ બ્રાન્ચે ક્લિનિક્લ ટ્રાયલ મુદ્દે વેદા ક્લિનિક્લ રિસર્ચ પ્રાઈવેટ લિમિટેડ અને લેમડા થેરાપ્યુટિક રિસર્ચ પ્રાઈવેટ લિમિટેડમાં તપાસ કરતાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, રોજનું કમાઇને રોજનું ખાનારા ગરીબ પરિવારો આવા રિસર્ચ સેન્ટરોના એજન્ટોના નિશાને હોય છે. એજન્ટોને વ્યક્તિ દીઠ મસમોટું કમિશન ચૂકવાય છે. એજન્ટો પૈસાની લાલચ આપીને આવા લોકોને રિસર્ચ સેન્ટરો સુધી લાવે છે.

સામાન્ય રીતે એક વ્યક્તિ વર્ષમાં બે-ત્રણ વાર ક્લિનિક્લ ટ્રાયલમાં ભાગ લઇ શકે, પરંતુ આ બંને કંપનીમાં એક જ વ્યક્તિ 20-20 વખત ક્લિનિકલ ટ્રાયલ કરાવી ચૂક્યાં છે. આટલા બધા ક્લિનિકલ ટ્રાયલ કરાવતા લોકોને દવાની આડ અસર થાય તો સારવાર આપીને ઘરભેગા કરી દેવાય છે અને વળતર પણ અપાતું નથી. વળી, આ પ્રકારના ટ્રાયલના નિયમોનો છડેચોક ભંગ કરાય છે. ગરીબ-અભણોના ફોર્મ પર અંગૂઠા લઇ જાણ બહાર સંમતિ મેળવી લેવાય છે, જેથી વળતર આપવું ના પડે. આ રિસર્ચ સેન્ટરો પર મંજૂરી વિના વીડિયો રેકોર્ડિંગ પણ થતું હતું. 

મ્યુનિસિપિલ આરોગ્ય વિભાગનો ડ્રગ્સ વિભાગને પત્ર 

છેલ્લાં ઘણાં વખતથી અમદાવાદમાં ક્લિનિકલ ટ્રાયલ ચર્ચાનો વિષય છે. આ તપાસ પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે પણ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પત્ર લખીને ગેરકાયદે ક્લિનિકલ ટ્રાયલ કરનારા રિસર્ચ સેન્ટરો સામે કડક કાર્યવાહી કરવા ભલામણ કરી છે.