Ahmedabad News: અમદાવાદના પથ્થરકુવા વિસ્તારમાં આવેલી જ્યોતિસંઘ સંસ્થામાં ચાલતા કાઉન્સેલિંગ દરમિયાન એક મહિલા પર તેના પતિએ જ કુહાડીથી હુમલો કર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. અહીં બાળકોની કસ્ટડી મેળવવાની બાબતે ઉશ્કેરાયેલા પતિએ ઓફિસમાં જ પગમાં કુહાડીથી હુમલો કર્યો હતો. જેમાં મહિલા ઈજાગ્રસ્ત થતાં તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન હુમલો કરનારો પતિ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. તેની ઈજાગ્રસ્ત મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણો શું છે સમગ્ર મામલો
મળતી માહિતી અનુસાર, અસારવા ખાતે રહેતા 32 વર્ષીય દક્ષાબહેન રાવળે તેના પતિ વિજય રાવળ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, 'બાળકોની કસ્ટડી મેળવવાની બાબતે ઉશ્કેરાયેલા મારા પતિએ સંસ્થાની ઓફિસમાં જ મારા પર કુહાડી વડે હુમલો કર્યો હતો.'
18મી જૂનના રોજ સંસ્થામાં બંને વચ્ચે બાળકોની કસ્ટડી અંગે ચર્ચા ચાલી રહી હતી, ત્યારે દક્ષાબેને માતા તરીકે બાળકો પર પોતાનો હક હોવાનો દાવો કર્યો હતો. આ સાંભળીને વિજય રોષે ભરાઈ ગયા હતા અને બહારથી એક કુહાડી લાવીને દક્ષાબહેનના જમણા પગના ભાગે ઝીંકી દીધી હતી. ઘટનાના પગલે બુમાબુમ થતાં સંસ્થાના કર્મચારીઓ અને આસપાસના લોકો દોડી આવ્યા હતા, જેથી હુમલાખોર પતિ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
આ ઘટના પાછળનું મુખ્ય કારણ પારિવારિક વિખવાદ હોવાનું જાણવા મળ્યું છે. પતિની સતત હેરાનગતિ અને શક-વહેમના સ્વભાવથી કંટાળીને દક્ષાબહેન છેલ્લા ત્રણ મહિનાથી ઘર છોડીને પોતાના મિત્ર અજય સાથે અસારવા ખાતે રહે છે. તેના 14 વર્ષના પુત્ર અને 12 વર્ષની પુત્રી પિતા પાસે હતા, જેનો કબજો મેળવવા માટે તેમણે ગત પાંચમી મેના રોજ જ્યોતિસંઘમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણીની મુદત દરમિયાન જ પતિએ ઉશ્કેરાઈને આ પગલું ભર્યું હતું. હાલમાં ઈજાગ્રસ્ત દક્ષાબેનને 108 એમ્બ્યુલન્સ મારફતે અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ભોગ બનનાર પત્નીની ફરિયાદના આધારે પોલીસે ફરાર પતિ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


