Get The App

અમદાવાદના ચાંદખેડાની હૉસ્પિટલમાં ચોરી: માત્ર 4 મિનિટમાં જ સ્ટાફ મેમ્બરે કર્યો હાથફેરો

Updated: Jan 6th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદના ચાંદખેડાની હૉસ્પિટલમાં ચોરી: માત્ર 4 મિનિટમાં જ સ્ટાફ મેમ્બરે કર્યો હાથફેરો 1 - image


Robbery in Hospital: અમદાવાદમાં તસ્કરોનો આતંક હવે સેવાધામ ગણાતી હૉસ્પિટલો સુધી પહોંચી ગયો છે. ચાંદખેડાની જાણીતી સિનર્જી મલ્ટી સ્પેશ્યાલીટી હૉસ્પિટલમાં વહેલી સવારે ચોરીની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. આશ્ચર્યની વાત એ છે કે આ ચોરી કોઈ બહારની વ્યક્તિએ નહીં, પરંતુ હૉસ્પિટલના જ સ્ટાફ મેમ્બરે કરી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

માત્ર 4 મિનિટમાં ખેલ ખતમ

હૉસ્પિટલ પ્રશાસન દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, આ ઘટના વહેલી સવારે બની હતી. જ્યારે હૉસ્પિટલમાં દર્દીઓ અને અન્ય સ્ટાફની અવરજવર ઓછી હતી, ત્યારે સ્ટાફના એક સભ્યએ વહીવટી કેબિનને નિશાન બનાવી માત્ર 4 મિનિટમાં આખી ઘટનાને અંજામ આપ્યો હતો.

ચાલાકીપૂર્વક કેબિનમાં પ્રવેશી, લાકડાના ટેબલના ડ્રોવરનું લોક તોડી અંદર રાખેલી ₹70,000ની રોકડ રકમની ચોરી કરી હતી. સ્ટાફ મેમ્બરને પહેલેથી જ ખબર હતી કે વહીવટી કામકાજની રોકડ ક્યાં રાખવામાં આવે છે.

CCTV ફૂટેજમાં કેદ થઈ ચોરી

ભલે તસ્કરે અત્યંત પ્રોફેશનલ રીતે લોક તોડ્યું હતું, પરંતુ તે હૉસ્પિટલના ત્રીજી આંખ સમાન CCTV કેમેરાથી બચી શક્યો નથી. કેમેરામાં તસ્કરની તમામ ગતિવિધિઓ સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં તે કેબિનમાં પ્રવેશતા, ડ્રોવર તોડતા અને રોકડ લઈને નાસી છૂટતો જોવા મળી રહ્યો છે.

પોલીસ તપાસ તેજ

આ ઘટના અંગે હૉસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ અધિકારીએ અમે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને તેના આધારે તસ્કરની ઓળખ કરવાની પ્રક્રિયા શરુ કરી દીધી છે. ટૂંક સમયમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવશે.

પોલીસે હાલમાં અલગ-અલગ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હૉસ્પિટલના અન્ય સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી આમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે જાણી શકાય.