Ahmedabad News : અમદાવાદમાં ફરી એકવાર લોહીના સંબંધોને લજવતી કલંકિત ઘટના સામે આવી છે. ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક સગીરા પર તેના જ સગા મામા અને મામાના દીકરાએ શારીરિક શોષણ અને બળાત્કાર ગુજાર્યો હોવાની આઘાતજનક વિગતો પ્રકાશમાં આવી છે. ભણાવવાના બહાને અને તાંત્રિક વિધિના નામે સગીરાની મજબૂરીનો ફાયદો ઉઠાવી પિતા-પુત્રએ માનવતા નેવે મૂકી હતી. આ મામલે પીડિતાની માતાએ હિંમત દાખવી ચાંદખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ ઘટનાની વિગતો મુજબ, ફરિયાદી મહિલા ચાંદખેડા વિસ્તારમાં પરિવાર સાથે રહે છે અને ઘરકામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમની 17 વર્ષીય સગીર પુત્રી આ ક્રૂરતાનો ભોગ બની છે. સગીરા સાથે તેના જ સગા મામા અને મામાના દીકરાએ વારંવાર અડપલાં કરી બળાત્કાર ગુજાર્યો હતો. પોતાની સાથે થયેલા આ અત્યાચારથી ગભરાયેલી સગીરા લાંબા સમય સુધી મૌન રહી હતી, પરંતુ આખરે માનસિક ભાર ન સહી શકતા તેણે પોતાની બહેન અને માતાને આપવીતી સંભળાવી હતી.
આ ઘટનાની શરૂઆત ગત જુલાઈ માસમાં થઈ હતી જ્યારે સગીરાના મામી તેમને મળવા આવ્યા હતા અને સગીરાને થોડા દિવસ માટે તેમના ઘરે રહેવા લઈ ગયા હતા. સગીરાના મામા તાંત્રિક વિદ્યા કરતા હતા અને વ્યસની હતા. આ દરમિયાન, મામાનો દીકરો સગીરાને 'ગણિત' ભણાવવાના બહાને રાત્રે પોતાના રૂમમાં બોલાવતો હતો. અભ્યાસ કરાવતી વખતે તેણે સગીરા સાથે અડપલાં શરૂ કર્યા હતા. સગીરાએ વિરોધ કરતા તે ગુસ્સે ભરાયો હતો અને તેની પર વિકૃત કૃત્ય આચર્યું હતું.
હદ તો ત્યારે થઈ જ્યારે સગીરાના સગા મામાએ પણ તેની લાચારીનો ફાયદો ઉઠાવ્યો. મામાએ તાંત્રિક વિદ્યાનું બહાનું ધરી સગીરાને ડરાવી હતી કે "તારા શરીરમાં કંઈક ઘૂસી ગયું છે, જે મારે બહાર કાઢવું પડશે", તેમ કહી તેના ગુપ્ત ભાગે અડપલાં કરી છેડતી કરી હતી. ત્યારબાદ મામાના દીકરાએ ફરીથી અભ્યાસના બહાને સગીરા પર અનેકવાર બળાત્કાર ગુજાર્યો હતો. આ સતત થઈ રહેલા શોષણથી કંટાળીને સગીરાએ જ્યારે પોતાની માતાને બધી વાત કરી, ત્યારે પરિવારે તુરંત પોલીસનો સંપર્ક કર્યો હતો. હાલમાં ચાંદખેડા પોલીસે પિતા-પુત્ર વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેઓની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી છે.


