Get The App

અમદાવાદમાં વહેલી સવારથી જ મેઘમહેર, છેલ્લા 24 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ

Updated: Jun 17th, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદમાં વહેલી સવારથી જ મેઘમહેર, છેલ્લા 24 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ 1 - image


Rain in Ahmedabad: આગ વરસાવતી ગરમી, અસહ્ય બફારા બાદ જેની આતુરતાપૂર્વક રાહ જોવાની હતી તે ચોમાસાની ઋતુનું ગુજરાતમાં ધમાકેદાર આગમન થયું છે. ગુજરાતના 221 તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો  હતો. જેમાં અમદાવાદ શહેર સહિત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી છે. આજે વહેલી સવારે 8થી 10 વાગ્યા સુધીમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો. 



સોમવારે સાંજે ત્રણ કલાક ધોધમાર વરસાદ બાદ આજે વહેલી સવારે અમદાવાદ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ચાંદખેડા, ગોતા, થલતેજ, પ્રહ્લાદનગર, બોપલ, મકરબા, વેજલપુર, સરખેજ, એસ.જી સહિતના વિસ્તારોમાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ શરુ થયો છે. વરસાદના પગલે અમદાવાદ શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા. વહેલી સવારે ઑફિસ જવા નીકળેલા લોકો વરસાદના કારણે અટવાયા હતા. ગત 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. 

અમદાવાદમાં વહેલી સવારથી જ મેઘમહેર, છેલ્લા 24 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ 2 - image

સિવિલ હૉસ્પિટલ આસપાસના વિસ્તારમાં પણ વરસાદથી હાલાકી

સોમવારે સાંજે પડેલા ભારે ગાજવીજ સાથેના વરસાદના કારણે અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હૉસ્પિટલ વિસ્તારમાં વરસાદથી હાલાકી પડી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. વિમાન દુર્ઘટના પછી મૃતકોના મૃતદેહને સોંપવાની કામગીરી ચાલી રહી છે તેવા સમયે જ વરસાદ વરસી પડતાં મૃતકોના પરિવારજનોને ખાસ તૈયાર કરવામાં આવેલા ટેન્ટની અંદર વરસાદ બંધ થાય એની રાહ જોવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો: અમરેલીમાં કોઝવે પર ફસાઈ કાર: કાચ તોડી બોનટ પર બેઠા યુવકો, પોલીસ-ફાયર વિભાગે કર્યા રેસ્ક્યૂ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 221 તાલુકામાં ધોધમાર વરસાદ

ગત મોડી રાત્રે 2થી 4 વાગ્યા સુધીના બે કલાકમાં બોટાદમાં 4 ઇંચ નોંધાયો હતો. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 221 તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ ગઢડામાં 14 ઇંચ, પાલીતાણામાં 12 ઇંચ, સિહોરમાં 11.6 ઇંચ, બોટાદમાં 11 ઇંચ, ઉમરાળામાં 10.4 ઇંચ, જેસરમાં 11 ઇંચ, મહુવામાં 9 ઇંચ અને રાજુલામાં 7 ઇંચ વરસાદ નોંધાયો હતો. 

અમરેલીના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ, જનજીવન પ્રભાવિત

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અમરેલીથી ધારી હાઇવે પર ધોધમાર વરસાદને કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. નાના માશીયાળા ગામ નજીક એક વૃક્ષ ધરાશાયી થતાં તે એસટી બસ પર પડ્યું હતું, જેના કારણે થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો. દેવરાજીયા-માણીલા રોડ પર પણ ખેતરોના પાણી રોડ પર આવી જતાં માર્ગ પાણી-પાણી થઈ ગયો હતો, જેનાથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

અમદાવાદમાં વહેલી સવારથી જ મેઘમહેર, છેલ્લા 24 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ 3 - image

17 જૂનની આગાહી

હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં 17 જૂને જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘગર્જના સાથે અત્યંત ભારે વરસાદને પગલે હવામાન વિભાગે રૅડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરુચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 

18-19 જૂનની આગાહી

18-19 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 12થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને લઈને ઑરેન્જ અને યલો ઍલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે. જેમાં જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરુચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દાહોદ, છોટા ઉદેપુર સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે.


Tags :