ગત વર્ષની તુલનાએ કાળઝાળ ગરમી ઓછી છતાં અમદાવાદમાં ગરમી સંબંધિત બીમારીના કેસમાં 20%નો વધારો
Ahmedabad Heat Illness Rise: અમદાવાદમાં આ વખતે અત્યારસુધી કાળઝાળ ગરમીનું પ્રમાણ ઓછું રહ્યું છે પણ ગયા વર્ષની સરખામણીએ ગરમીથી બીમાર પડેલા શંકાસ્પદ કેસમાં 20% જેટલો વધારો થયો છે.
સખત તાવને લીધે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા વધી
ઈમરજન્સી સેવા '108' પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં 1 માર્ચથી 15 મે દરમિયાન સખત તાવને લીધે 1250 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા. જેની સરખામણીએ ગત વર્ષે તાવને લીધે હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવા દર્દીઓની સંખ્યા 1062 હતી.
હીટ ઈલનેસના કેસમાં પણ વધારો
આ સિવાય વોમિટિંગ-ડાયેરિયા, પેટમાં સખત દુઃખાવો, ગરમીને લગતી બીમારીના કેસમાં પણ વધારો નોંધાયો છે. હીટ ઈલનેસના કેસ ગત વર્ષે 2 હતા અને તે હવે વધીને 27 થયા છે. આ વર્ષે હજુ સુધી ગરમીનો પારો 45ને પાર ગયો નથી. આમ છતાં ગરમી સંબધિત કેસમાં વધારો નોંધાયો છે. ડૉક્ટરોને મતે ઉનાળાની મૌસમમાં સતત પાણી પીવું હિતાવહ છે. આ ઉપરાંત બહારનું ખાવાનું પણ ટાળવું જોઇએ.