અમદાવાદના હરે કૃષ્ણ મંદિરમાં 'રાધાષ્ટમી'ની ભવ્ય ઉજવણી, ભક્તો શ્રદ્ધાથી ઝૂમી ઉઠ્યા
Ahmedabad News: જન્માષ્ટમી બાદ ભક્તિ અને પ્રેમનો પ્રવાહ વહેતો રાખતા હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે રવિવારે (31 ઓગસ્ટ) રાધાષ્ટમી ઉત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું. શ્રીકૃષ્ણની પરમ પ્રિયતમા શ્રીમતી રાધારાનીના અવતરણ દિવસની ઉજવણીમાં હજારો ભક્તો શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા. આ ઉત્સવમાં ભક્તિ, સંગીત અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળ્યો હતો.
મંદિરને રંગબેરંગી પુષ્પોથી શણગારવામાં આવ્યું
રાધાષ્ટમી પાવન દિવસે હરે કૃષ્ણ મંદિરનું વાતાવરણ દિવ્ય પુષ્પોની સુગંધથી અનેરો આનંદ પ્રસરાવી રહ્યું હતું. શ્રી શ્રી રાધા માધવની મૂર્તિઓને નવા વસ્ત્રો, દિવ્ય અલંકારો અને રંગબેરંગી પુષ્પોથી શણગારવામાં આવી હતી. આ દ્રશ્ય ભક્તો માટે અત્યંત મનોરમ્ય હતું.
જાણો રાધાષ્ટમીનું મહત્ત્વ
મંદિરના પ્રમુખ જગનમોહન કૃષ્ણ દાસે 'રાધાષ્ટમી'ના મહત્ત્વ વિશે જણાવ્યું કે, રાધારાની ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની શુદ્ધ ભક્તિનું પ્રતીક છે. કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત કરવા માટે શ્રીમતી રાધારાનીની કૃપા અત્યંત આવશ્યક છે. આ દિવસે ભક્તોએ રાધારાનીની પૂજા અને પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી.'
આ પણ વાંચો: આજે રાધા અષ્ટમી: દરેક મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવા જાણો પૂજા વિધિ
ઉત્સવ દરમિયાન ભક્તો દ્વારા અનેક સેવાઓ અર્પણ કરવામાં આવી હતી. જેમાં 108 પ્રકારના રાજભોગનું અર્પણ, સાત પવિત્ર નદીઓમાંથી એકત્રિત કરાયેલા જળના 108 કળશ દ્વારા મહાભિષેક અને ઋગ્વેદમાં વર્ણિત 'પુરુષ સૂક્ત'નું પઠન મુખ્ય હતું. આ ઉપરાંત ભક્તોએ શ્રીમતી રાધારાનીનું મહત્ત્વ અને તેમના દિવ્ય ગુણોનું વર્ણન કરતા કીર્તન અને ભજનો ગાયા હતા, જેમાં સૌકોઈ મગ્ન બન્યા હતા.
ભવ્ય પાલખી ઉત્સવનું આયોજન
અંતમાં મહા આરતી અને ભવ્ય પાલખી ઉત્સવનું આયોજન થયું હતું. આ સમયે શ્રીલ રૂપ ગોસ્વામી દ્વારા રચિત શ્રી રાધિકાષ્ટકનું ગાન કરવામાં આવ્યું હતું, જેનાથી ભક્તિમય વાતાવરણ વધુ ઊંડું બન્યું હતું. હરે કૃષ્ણ મંદિરનો આ રાધાષ્ટમી ઉત્સવ ભક્તો માટે એક યાદગાર અનુભવ બની રહ્યો છે.
જુઓ રાધાષ્ટમી ઉત્સવની ઝાંખી
કેક કાપી રાધાજીના જન્મોત્સવની ઉજવણી
સાત પવિત્ર નદીઓના જળથી અભિષેક
108 કળશ દ્વારા મહાભિષેક
રાધા કૃષ્ણને ચંદનનો અભિષેક
રાધે ભક્તિમાં મગ્ન બનેલા ભક્તો