અમદાવાદના ઘાટલોડીયામાં મકાનનો સ્લેબ ધરાશાયી, મહિલા ઈજાગ્રસ્ત, તંત્ર દોડતું થયું
Ghatlodia Slab Collapse : અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ગાયત્રી એપાર્ટમેન્ટના 16 નંબરના બ્લોકનો ધાબાનો સ્લેબ ધરાશાયી થતા એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઘાટલોડીયાના ગાયત્રી એપાર્ટમેન્ટમાં આવેલા 16 નંબરના બ્લોકના ધાબાનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો. આ ઘટનામાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી, જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
ઘટના બાદ ફાયર અને પોલીસની ટીમે સ્થિતિ સંભાળી હતી. તપાસ કરતા જાણવા મળ્યું છે કે આખા બ્લોકમાં મોટી તિરાડો પડી ગઈ છે, જેના કારણે બ્લોક તૂટી પડવાની આશંકા સેવાઈ રહી છે. સાવચેતીના ભાગરૂપે, બ્લોકના રહેવાસીઓને તાત્કાલિક મકાનો ખાલી કરવા આદેશ આપવામાં આવ્યા છે.
આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. સ્લેબ તૂટી પડતાં લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. તંત્ર દ્વારા જર્જરિત મકાનોને ખાલી કરાવવા માટે સૂચના આપવામાં આવે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો જર્જરિત હોવાની અવારનવાર ફરિયાદો ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કરવામાં આવે છે. પરંતુ તંત્રની ઢીલી નિતિને લીધે કોઇ સચોટ પગલાં ભરવામાં આવતાં નથી. હાલ સરકારી અધિકારીઓએ આડાશ મૂકી લોકોને દૂર રહેવા જણાવ્યું તેમજ હાઉસિંગ બોર્ડના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી અને હાઉસિંગ બોર્ડના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.