મોટા ઉપાડે SOP જાહેર કરાયા બાદ અમદાવાદમાં ગરબા યોજવા 58માંથી માત્ર બે પાર્ટીને જ ફાયર NOC
Ahmedabad Fire NOC: અમદાવાદમાં જાહેર સ્થળ તેમજ પાર્ટી પ્લોટમાં ગરબા યોજવા કોર્પોરેશનના ફાયર વિભાગ તરફથી મોટા ઉપાડે 32 અલગ અલગ મુદ્દાનું પાલન આયોજકો પાસે કરાવવા સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજર બહાર પાડી હતી. બીજી તરફ શુક્રવાર સાંજ સુધીમાં શહેરના વિવિધ સ્થળે ગરબા યોજવા ફાયર વિભાગને કુલ 58 ઓનલાઇન અરજી મળી હતી. જે પૈકી માત્ર બેને ફાયર એન.ઓ.સી. અપાઈ હોવાનું ચીફ ફાયર ઑફિસર અમિત ડોંગરેએ કહ્યું છે. સોમવારથી નવરાત્રિ શરુ થાય છે તે અગાઉ બે દિવસમાં ફાયર વિભાગ બાકીના 56 સ્થળની તપાસ કરી કઈ રીતે એન.ઓ.સી. આપી શકશે એ અંગે આયોજકો અને ખેલૈયાઓમાં પણ તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે.
અમદાવાદ ફાયર વિભાગના ઇતિહાસમાં નજીકના વર્ષોમાં કયારેય જોવા મળી ના હોય એવી પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. વિભાગમાં ક્યાં કેવી રીતે શું કાર્યવાહી ચાલી રહી છે એ અંગે ઉચ્ચ અધિકારીઓ પાસે પણ પૂરતી માહિતીનો અભાવ જોવા મળ્યો છે. જે સમયે એસ.ઓ.પી.જાહેર કરાઈ હતી એ સમયે ઈવેન્ટ(ગરબા) શરુ થવાના ત્રણ દિવસ પહેલા આયોજકોને અરજીની હાર્ડ કોપી જમાલપુર ફાયર સ્ટેશન ખાતે જમા કરાવવા પણ સુચના આપવામા આવી હતી.
અગાઉના વર્ષોમાં શહેરમાં ગરબા શરુ થતાં પહેલા જ મોટાભાગના આયોજકોને ફાયર એન.ઓ.સી. સ્થળ તપાસ પૂરી કરી આપી દેવાતી હતી. સોમવારથી નવરાત્રિ શરુ થાય છે આમ છતાં ચીફ ફાયર ઑફિસર એવો દાવો કરે છે, કે સોમવાર સુધીમાં બધુ ક્લિયર થઈ જશે. એનો અર્થ એ પણ થઈ શકે છે કે ફાયર એન.ઓ.સી. માટે આવેલી અરજીઓ ઉપર છેલ્લી ઘડીએ ખેલ પાડી ક્લીયરન્સ આપી દેવાશે. ફાયર એન.ઓ.સી નહીં હોય એવા સ્થળે કોઈ મોટી દુર્ઘટના થશે તો જવાબદારી કોની એ મુદ્દે કોઈ બોલવા તૈયાર થતું નથી.