અમદાવાદઃ બાપુનગરમાં ખેલાયો ખૂની ખેલ, જમાઈએ કરી સાસુની હત્યા
- સાસુએ દીકરીને તેમની મોકલવાની ના પાડતા જમાઈ ઉશ્કેરાયો અને હત્યા કરી નાખી
અમદાવાદ, તા. 21 માર્ચ 2022, સોમવાર
અમદાવાદના બાપુનગરમાં જમાઈએ જ સાસુની હત્યા કરી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે નાના-મોટા ગુનામાં સંડોવાયેલા પતિએ પિયર આવેલી પત્નીની જાણ બહાર પ્રેમિકા સાથે લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ પતિએ સાસરીમાં જઈને જણાવ્યું હતું કે, તેમણે બીજા લગ્ન કરી લીધા છે અને હવે તે બંને પત્નીને સાથે રાખશે. આ સાંભળીને સાસુ-સસરાએ દીકરીને તેમની સાથે મોકલવાનો ઈનકાર કર્યો હતો તેથી જમાઈએ સાસુ-સસરા પર છરીના ઘા કર્યા હતા. સાસુની હાલત ગંભીર બની જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
આ ઘટનાની વિગત એવી છે કે, 51 વર્ષીય ટીના ભાઈ રાજભર તેમના પરિવાર સાથે બાપુનગરમાં રહે છે અને તેઓ એક કન્સ્ટ્રક્શન ઓફિસમાં પટાવાળા તરીકે નોકરી કરે છે. તેમને સંતાનમાં એક દીકરો અને દીકરી છે. દીકરાનું નામ વિકાસ અને દીકરીનું નામ શ્રધ્ધા છે. શ્રધ્ધાના લગ્ન 2020માં દીપુ પગી સાથે થયા હતા. તેમનો જમાઈ દીપુ ચોરી કરતો હતો અને તે રીક્ષા ચોરીમાં પકડાયો હતો. દીપુ બીજા પણ અનેક નાના-મોટા ગુનામાં સંડોવાયેલો હોવાથી તેની પત્ની પિયર આવી ગઈ હતી. ત્યારબાદ દીપુએ પાછળથી તેની પત્ની શ્રધ્ધાની જાણ બહાર બીજા લગ્ન પણ કરી લીધા હતા અને તે અવારનવાર ટીના ભાઈના ઘરે આવતો હતો.
તા. 20-03-2020ના રોજ જમાઈ દીપુ ફરીથી ટીનાભાઈના ઘરે આવ્યો હતો અને થોડે દૂર ઊભો રહી બૂમો પાડીને કહેવા લાગ્યો કે, તમારી દીકરીને મારી સાથે મોકલો ત્યારે ટીનાભાઈના પત્નીએ કહ્યું કે, તમે બીજા લગ્ન કરી લીધા છે તેથી અમે અમારી દીકરીને તમારી સાથે કદી નહીં મોકલું તેથી હવે પછી તું અમારા ઘરે ક્યારેય ન આવીશ. આ સાંભળતા જ દીપુ એકદમ ઊશ્કેરાઈ ગયો અને ટીનાભાઈ સાથે ઝઘડો કરી ઝપાઝપી કરવા લાગ્યો હતો તેથી તેમની પત્ની અને દીકરી વચ્ચે પડતા તેમને માર મારવા લાગ્યો હતો તેથી ટીનાભાઈ અને તેમની પત્ની તેમની દીકરીને બચાવવા જતા દીપુએ ઊશ્કેરાઈ જઈ ટીનાભાઈને છરી કાઢી બે ઘા માર્યા હતા. આ દરમિયાન સાસુ સાવિત્રી બેન વચ્ચે પડતા તેમને જીવલેણ છરીનો ઘા કરી જમાઈ દીપુ ત્યાથી ભાગી ગયો હતો. આ સમગ્ર મામલે બાપુનગર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.