Gujarat

વન વિભાગે શાહપુરથી ૩૪ સુરજ કાચબા અને ૧૦૧ સુડા પોપટ છોડાવ્યા

By GS TEAM
24 Nov 20251 min read
વન વિભાગે  શાહપુરથી  ૩૪ સુરજ કાચબા અને ૧૦૧  સુડા પોપટ  છોડાવ્યા

અમદાવાદ, સોમવાર

અમદાવાદ ગ્રામ્ય અને વન વિભાગે થોડા દિવસ પહેલા સુરજ કાચબાના ગેરકાયદે વેચાણના નેટવર્કનો પર્દાફાશ કરીને ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. ત્યારે આ કેસના અનુસંધાનમાં વન વિભાગે પોલીસ સાથે મળીને શાહપુરમાં  દરોડો પાડીને ૩૪ સુરજ કાચબા અને ૧૦૧ સુડા પોપટને છોડાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને વન વિભાગે થોડા દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ  પરથી ગેરકાયદે સુરજ કાબચાનું વેચાણ કરતી ગેંગના ત્રણ સાગરિતોને ઝડપીને મોટા પ્રમાણમાં સુરજ કાચબાને રેસક્યુ કર્યા હતા.

આ કેસની તપાસ દરમિયાન વન વિભાગના અધિકારીઓને બાતમી મળી હતી કે શાહપુરમાં કીડી પાળાની પોળ અને ગુંદી ચોકમાં કેટલાંક લોકો પોપટ અને સુરજ કાબચાનુ વેચાણ કરે છે. જેના આધારે દરોડો પાડીને કીડા પાળાની પોળમાંથી  ૩૪ સુરજ કાચબા અને ગુંદી ચોકમાંથી  ૧૦૧ સુડા  પોપટને છોડાવીને વેપારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે સુરજ કાચબા શેડયુલ -૧ અને સુડા પોપટ શેડયુલ-૨ની કેટેગરીમાં આવે છે. તમામ કાચબા અને પોપટને હાલ બોડકદેવમાં આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરમાં મોકલી અપાયા છે.