Gujarat

'કિડની વેચીને પણ પૈસા આપવા પડશે...', અમદાવાદમાં યુવાનનું અપહરણ, રેતી-કપચીના દલાલોની કરતૂત

By GS TEAM
16 Mar 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં રેતી-કપચીના વ્યવસાય સાથે જોડાયેલા દલાલોની ઉઘરાણીના ત્રાસની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લેણી રકમ વસૂલવા માટે દલાલોએ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના દત્તપુરાથી એક યુવાનનું કારમાં અપહરણ કરી, તેને લીમડી ખાતે ગોંધી રાખી માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે પોલીસે પાંચ અપહરણકર્તાઓની ધરપકડ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'કિડની વેચીને પણ પૈસા આપવા પડશે...', અમદાવાદમાં યુવાનનું અપહરણ,  રેતી-કપચીના દલાલોની કરતૂત

Ahmedabad Crime News: અમદાવાદમાં રેતી-કપચીના વ્યવસાય સાથે જોડાયેલા દલાલોની ઉઘરાણીના ત્રાસની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લેણી રકમ વસૂલવા માટે દલાલોએ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના દત્તપુરાથી એક યુવાનનું કારમાં અપહરણ કરી, તેને લીમડી ખાતે ગોંધી રાખી માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે પોલીસે પાંચ અપહરણકર્તાઓની ધરપકડ કરી છે.

શું છે સમગ્ર મામલો?

મૂળ ધંધુકાના અને હાલ વાઘોડિયામાં કેશિયર તરીકે નોકરી કરતા હરેશ મનુભાઈ પટેલે આ અંગે ફરિયાદ નોંધાવી છે. હરેશભાઈ અગાઉ અમદાવાદમાં ફોન પર રેતી-કપચીના કમિશનનો ધંધો કરતા હતા. આ દરમિયાન તેમણે દલાલ ચંદુભાઈ અને જગદીશભાઈ પાસેથી માલ મંગાવ્યો હતો. કપચીનું કુલ બિલ 16 લાખ રૂપિયા થયું હતું, જેમાંથી તેણે 11 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા અને 5 લાખ રૂપિયા બાકી હતા. રેતીનું બિલ  5.33 લાખ રૂપિયા હતું, જેમાંથી 3.53 લાખ રૂપિયા ચૂકવવાના બાકી હતા.

બિલ્ડરો પાસેથી પેમેન્ટ આવવામાં વિલંબ થતા હરેશભાઈ સમયસર નાણાં ચૂકવી શક્યા નહોતા. દલાલોએ વારંવાર ધમકીઓ આપતા તેઓ કંટાળીને વડોદરા નોકરી કરવા આવી ગયા હતા.

ફિલ્મી ઢબે અપહરણ અને ટોર્ચર

રવિવારે જ્યારે હરેશભાઈ પોતાની દુકાન પર બેઠા હતા, ત્યારે બે કારમાં આવેલા શખસોએ તેમનું જબરજસ્તી અપહરણ કર્યું હતું. તેમને લીમડી ખાતે પ્રવિણસિંહની ઓફિસમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમને માનસિક અને શારીરિક ત્રાસ આપી ધમકી આપવામાં આવી હતી કે, 'તારે કિડની વેચીને પણ પૈસા આપવા પડશે.' પોલીસે આ મામલે પ્રવિણસિંહ ડોયા સહિત કુલ આઠ શખસો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસ કાર્યવાહી અને ધરપકડ

ઘટનાની જાણ થતા જ વાઘોડિયા પોલીસે તાત્કાલિક એક્શન લઈ યુવાનને મુક્ત કરાવ્યો હતો અને આ ગુનામાં જગદીશ સુરતાજી વણઝારા (બોપલ, અમદાવાદ), ચંદુ શામજીભાઈ બાવળીયા (સાણંદ, અમદાવાદ), મોહમદ શાહીદ ઈકબાલ હલીમભાઈ અંસારી (ફતેહવાડી, અમદાવાદ), અજય ધીરુભાઈ કબીરા (નારોલ, અમદાવાદ),  મેહુલ ગોવિંદભાઈ પરમાર (લીમડી, સુરેન્દ્રનગર)ની ધરપકડ કરી છે.