અમદાવાદ ફાયરિંગ કેસ: ધરપકડ બાદ નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણનો ડ્રામા, ‘પોલીસ મને બોલવા નથી દેતી’
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Firing Case: અમદાવાદ નહેરુ નગર વિસ્તારમાં ગઈકાલે (27મી મે) ધોળા દિવસે પાંચ રાઉન્ડ ફાયરિંગ કરીને સનસનાટી મચાવનારા નિવૃત્ત ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (DySP) અશોકસિંહ ચૌહાણ અને તેમના પરિવારની ધરપકડ બાદ આજે (28મી મે) કોર્ટ અને જેલ પ્રક્રિયા દરમિયાન ભારે હોબાળો જોવા મળ્યો હતો. પોલીસ જ્યારે નિવૃત્ત DySP, તેમના પુત્ર અને પુત્રીને મીડિયા સમક્ષથી જેલ તરફ લઈ જઈ રહી હતી, ત્યારે અશોકસિંહ ચૌહાણે પોલીસ તંત્ર સામે ગંભીર આક્ષેપ કરતા બૂમો પાડી હતી કે, 'મારે ઘણું બોલવું છે, પણ આ પોલીસ મને બોલવા દેતી નથી.'
જાહેરમાં હોબાળો થતાં પોલીસે ત્રણેયને લોકઅપમાં પૂર્યા
નિવૃત્ત ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા મીડિયાના કેમેરા સામે જ આ પ્રકારે આક્રોશ વ્યક્ત કરાતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી અને ઘટનાસ્થળે ભારે હોબાળો સર્જાયો હતો. સ્થિતિ વધુ વણસે તે પહેલાં પોલીસે તાત્કાલિક કડક વલણ અપનાવીને અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર અને દીકરી ત્રણેયને ઝડપથી લોકઅપમાં પૂરી દીધા હતા.
શું હતો સમગ્ર મામલો?
મળતી માહિતી અનુસાર, નહેરુનગરમાં વિવાદિત જમીન પર બંને પક્ષોના આશરે પાંચથી છ લોકો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન બંને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થયું હતું. આ વિવાદ એટલો વધી ગયો કે ત્યાં હાજર નિવૃત્ત DySP અશ્વિન ચૌહાણે પોતાની પિસ્તોલ કાઢીને હવામાં એક પછી એક એમ પાંચ રાઉન્ડ ( બે રાઉન્ડ નીચે જમીનમાં અને ત્રણ રાઉન્ડ ઉપર હવામાં) ફાયરિંગ કરી દીધું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈને ગંભીર ઈજા થઈ નથી.
ઘટનાનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં નિવૃત્ત DySP અશ્વિન ચૌહાણ કહી રહ્યા છે કે મારી મંજૂરી વગર આ પ્રોપર્ટીમાં તમે પગ કેવી રીતે મૂક્યો, બહાર નીકળો નહીંતર લાશો પડી જશે, કોર્ટમાં મળીશું, તેમ કહી એક બાદ એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કરે છે.
નિવૃત્ત ડીવાયએસપી સામે આ ફાયરિંગ કરવા બદલ સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં ફાયરિંગ માટે વપરાયેલી પિસ્તોલને કબજે કરવામાં આવી હતી.









