અમદાવાદના ફાર્મહાઉસમાં હાઇપ્રોફાઇલ રેવ પાર્ટી પર દરોડા, NRI સહિત 15થી વધુની ધરપકડ

Rave Party in Ahmedabad: ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેમ, રાજ્યમાં ઠેર ઠેર દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. આવો જ એક હાઇપ્રોફાઇલ કિસ્સો અમદાવાદના પોશ વિસ્તારમાંથી સામે આવ્યો છે, જ્યાં શુક્રવારે મોડી રાત્રે ચાલતી રેવ પાર્ટી પર પોલીસે દરોડો પાડી 15થી વધુ લોકોને દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે આઠ પુરુષો અને છ મહિલાઓ સહિત 15થી વધુ લોકોની અટકાયત કરી હતી અને સ્થળ પરથી દારૂની બોટલો, હુક્કાનો સામાન અને અન્ય સામગ્રી જપ્ત કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર બોપલ પોલીસને બાતમી મળી હતી કે અમદાવાદના શીલજ પાસે આવેલા ઝેફાયર ફાર્મહાઉસમાં એક હાઇપ્રોફાઇલ પાર્ટી ચાલી રહી છે, જેમાં શરાબ અને શબાબની છોળો ઉડી રહી છે. આ બાતમીના આધારે બોપલ પોલીસે મોડી રાત્રે ફાર્મહાઉસ પર દરોડો પાડ્યો હતો.
પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે પાર્ટીના રંગમાં ભંગ પડ્યો હતો. પોલીસે દારૂના નશામાં ચૂર 15થી વધુ લોકોની ધરપકડ કરી હતી. આશ્ચર્યજનક રીતે આ પાર્ટીમાં 2 ભારતીયો સહિત 15 જેટલા NRI અને વિદેશી નાગરિકો મોજ માણતા ઝડપાયા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા લોકોમાં નાઇજિરીયન, આફ્રિકન, મોઝામ્બિકા અને કેન્યાના નાગરિકો પણ સામેલ હતા.

બોપલ પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, દારૂની પાર્ટી ચાલતી હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે ફાર્મહાઉસ પર દરોડો પાડ્યો હતો. અમે દારૂ, હુક્કા અને અન્ય વસ્તુઓ જપ્ત કરી છે. આ મામલે ગુજરાત પ્રોહિબિશન ઍક્ટ હેઠળ કાયદેસરની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
પાર્ટી માટે છપાવ્યા હતા ખાસ પાસ
પોલીસની તપાસમાં વધુ ચોંકાવનારી વિગતો ખુલી છે. આ 'શરાબ-શબાબ'ની પાર્ટી માટે આયોજકો દ્વારા ખાસ પાસ છપાવવામાં આવ્યા હતા. આ પાસ પર પાર્ટીમાં 'અનલિમિટેડ દારૂ' પી શકાશે, તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ પાર્ટીનું આયોજન કેટલા મોટા પાયે કરવામાં આવ્યું હતું. બોપલ પોલીસે હાલ તમામ 15 લોકોની અટકાયત કરી, ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પાર્ટી કોઈપણ જાતની મંજૂરી વગર યોજવામાં આવી હતી અને આ મેળાવડા માટે ફાર્મહાઉસ ભાડે રાખવામાં આવ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ કેવી રીતે મંગાવવામાં આવ્યો અને કાર્યક્રમ માટે કોણે મંજૂરી આપી હતી તે અંગે આયોજકોની પૂછપરછ કરવામાં આવી રહી છે
આ પાર્ટીના મુખ્ય આયોજકો કોણ હતા, ફાર્મહાઉસ કોની માલિકીનું છે અને આટલો મોટો દારૂનો જથ્થો ગુજરાતમાં ક્યાંથી આવ્યો, તે દિશામાં પોલીસે વધુ પૂછપરછ શરુ કરી છે.

