ધોળકાના વૌઠામાં લાકડીના ફટકા મારી આધેડની હત્યા, મૃતકની પત્નીના પ્રેમીએ જ હત્યા કરી હોવાનો ખુલાસો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદ ગ્રામ્યના ધોળકા તાલુકાના વૌઠા ગામમાં બાઈકની ચાવી આપવા જેવી નજીવી બાબતમાં ઉશ્કેરાયેલા યુવકે 48 વર્ષના આધેડને લાકડીના આડેધડ ફટકા મારીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. શુક્રવારે (19 જૂન) બનેલી આ ઘટના પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ચાવીની માથાકૂટમાં મામલો બિચક્યો
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, 19 જૂનના રોજ વૌઠા ગામમાં આરોપી અને ભોગ બનનાર આધેડ વચ્ચે બુલેટની ચાવી આપવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને આરોપીએ ઉશ્કેરાઈને લાકડી વડે આધેડ પર હુમલો કરી દીધો હતો. સામાન્ય બાબતમાં આરોપીએ આધેડના બંને પગ અને માથાના ભાગે લાકડીના ઉપરાછાપરી ફટકા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે લોહીલુહાણ થયેલા આધેડનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું.
પત્નીના પ્રેમીએ જ પતિનો કાંટો કાઢ્યો!
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ ગુના પાછળ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતકની પત્ની સાથે આરોપીને અનૈતિક સંબંધો હોવાનું બહાર આવ્યું છે. ચાવીની માથાકૂટ તો માત્ર એક બહાનું હતું, અસલ વિવાદ આ પ્રેમ પ્રકરણને કારણે જ વકર્યો હતો અને તેમાં જ પત્નીના પ્રેમીએ પતિની હત્યા કરી નાખી હતી.
હત્યારાને પોલીસે દબોચી લીધો
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ધોળકા રૂરલ પોલીસે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરીને આરોપી પ્રતાપ દશરથભાઈ પુરબિયા (ઉં.વ. 29)ને દબોચી લીધો છે. આરોપી મૂળ વૌઠાનો વતની છે અને હાલ અમદાવાદના સરખેજ પાસે આવેલા વાંઝર ગામમાં રહે છે.
મૃતકની ઓળખ
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકનું નામ ગણપત રાવજીભાઈ વાઘેલા (ઉં.વ. 48) છે. તેઓ મૂળ ખેડા જિલ્લાના માતર તાલુકાના મહાલાજ ગામના વતની હતા અને હાલ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા વ્રજવિહાર આવાસમાં રહેતા હતા.
ધોળકા રૂરલ પોલીસે આરોપી પ્રતાપ પુરબિયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.









