અમદાવાદના દરિયાપુરનું જિમખાના ફરી વિવાદમાં: જુગારીઓ પત્તા રમતા કેમેરામાં થયા કેદ
Gambling in Gymkhana : અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલું અને અનેક વખત વિવાદોમાં સપડાયેલું મનપસંદ જિમખાના ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. આ વખતે જિમખાનાના ત્રણેય માળ પર જુગારીઓ પત્તા રમતા હોવાનો વીડિયો વાયરલ થયો છે, જેના કારણે ભારે હોબાળો મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, મનપસંદ જિમખાનાના અંદરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જુગારીઓ જુગાર રમી રહ્યા છે. વીડિયો ઉતારવામાં આવી રહ્યો છે તેવું જાણ થતા જ જુગારીઓ ત્યાંથી ભાગી ગયા હતા.
વીડિયો ઉતારનાર વ્યક્તિ પોતે આ જગ્યાનો માલિક હોવાનો વીડિયોમાં દાવો કરી રહ્યો છે અને સાથે-સાથે એમ પણ કહી રહ્યો છે કે હું આ જગ્યાનો માલિક છું અને મેં અહીં જુગાર રમવાની કોઈ પરમિશન આપી નથી. જોકે, વીડિયોમાં જિમખાનામાં બેફામ જુગાર રમાઈ રહ્યો હોવાનું સ્પષ્ટપણે જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે, મનપસંદ જિમખાના અગાઉ પણ અનેકવાર વિવાદોમાં આવી ચૂક્યું છે. ભૂતકાળમાં પણ જુગાર સહિત અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ મામલે આ જિમખાનાનું નામ ચર્ચામાં રહ્યું છે. હાલ આ મામલો ફરી એકવાર ગરમાયો છે અને સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. આ મુદ્દે નગરજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સત્તાધીશો દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી માગણી ઉઠી રહી છે.