અમદાવાદના દાણીલીમડામાં લોહિયાળ ખેલ: ભાણેજના પ્રેમલગ્નનો ખાર રાખી મામા પર જીવલેણ હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News: અમદાવાદના દાણીલીમડામાં પ્રેમસંબંધના જૂના વિવાદમાં એક યુવક પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ગત તારીખ 3 ડિસેમ્બર 2025ના રોજ સાંજે ડિલિવરીનું કામ કરતા પ્રવીણભાઈ પર દિનેશ રઘુભાઈ સોલંકી નામના શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. પ્રવીણભાઈને પેટ અને જડબાના ભાગે છરીના ઘા વાગ્યા છે, જેથી તેમને ગંભીર હાલતમાં એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત યુવકના પત્નીએ આરોપી દિનેશ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ જીવલેણ હુમલા પાછળનું મૂળ કારણ પ્રવીણભાઈની ભાણેજ પાયલના પ્રેમસંબંધ અને લગ્નનો વિવાદ હતો. પાયલ તેમની ચાલીમાં રહેતા મિલન નામના છોકરાના પ્રેમસંબંધમાં હતી અને બંને એક મહિના પહેલા સાબરમતી ખાતે રહેવા માટે જતા રહ્યા હતા. હુમલો કરનાર આરોપી દિનેશ રઘુભાઈ સોલંકીના ભત્રીજાએ જ પ્રવીણભાઈની ભાણેજ પાયલ સાથે લગ્ન કરી લીધેલા છે.
આ બનાવના દિવસે, સાંજે લગભગ સાત વાગ્યાની આસપાસ પ્રવીણભાઈ તેમના મિત્ર વિનોદ પાનાભાઈ સાથે જમવાનું લેવા માટે જઈ રહ્યા હતા. તે સમયે રામરહીમનાં ટેકરાનાં ઢાળ પાસે નારણની કીટલી નજીક દિનેશ રઘુભાઈ સોલંકી ઊભો હતો. દિનેશ સોલંકીએ પ્રવીણભાઈને જોતા જ ગંદી ગાળો બોલવાનું શરૂ કર્યું. અગાઉ, બે દિવસ પહેલા જ્યારે પ્રવીણભાઈએ દિનેશને વિનંતી કરી હતી કે જો તેમની ભાણેજને ભગાડવામાં દિનેશનો હાથ હોય, તો પાયલને પાછી સોંપી દે અને બે મહિના પછી સમાજના રિવાજ મુજબ લગ્ન કરાવી અપાશે. આ જ બાબતે દિનેશ સોલંકીએ કટાક્ષમાં પ્રવીણને કહ્યું કે "મારા ભત્રીજાએ તારી ભાણેજ સાથે લગ્ન કરી લીધેલ છે તું શેનો તારી ભાણેજને પાછી માગતો હતો અને આજે તો તને પતાવી દઈશ.
આમ બોલીને દિનેશ સોલંકીએ પોતાની પાસે રહેલો છરો કાઢી પ્રવીણભાઈ પર જીવલેણ હુમલો કર્યો. તેણે છરાનો એક ઘા પ્રવીણભાઈના મોઢાનાં જડબાના જમણા ભાગે અને બીજો ઘા પેટમાં વચ્ચેના ભાગે માર્યો હતો. પ્રવીણભાઈ લોહી લુહાણ હાલતમાં તેમના મિત્ર વિનોદ પાનાભાઈના ખોળામાં ઢળી પડ્યા હતા. બૂમાબૂમ થતાં કિરીટભાઈ, અનિલભાઈ તથા અન્ય માણસો ભેગા થઈ ગયા હતા, જેને કારણે આરોપી દિનેશ રઘુભાઈ સોલંકી ત્યાંથી ભાગી ગયો હતો.
ગંભીર રીતે ઇજાગ્રસ્ત પ્રવીણભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે એલ.જી. હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હાલમાં તેમનું ઓપરેશન કરાયું છે. પ્રવીણભાઈના પત્નીએ આરોપી દિનેશ રઘુભાઈ સોલંકી વિરુદ્ધ જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કરવાની ક ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે સાહેદો વિનોદ પાનાભાઈ, કિરીટભાઈ અને અનિલભાઈના નિવેદનોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.









