| (IMAGE - ENVATO) |
Ahmedabad Water Crisis: અમદાવાદમાં ગરમીની શરૂઆત થતા જ પાણીની માંગમાં મોટો વધારો જોવા મળ્યો છે. ઉનાળો હજુ વધુ આકરો થવાની શક્યતા હોવાથી, માથાદીઠ 200 લિટરથી વધુ પાણીનો વપરાશ કરતા નાગરિકોએ હવે સાવચેતીપૂર્વક પાણી વાપરવું પડશે.
આંકડાકીય માહિતી મુજબ, ફેબ્રુઆરી મહિનામાં શહેરના 48 વોર્ડમાં દૈનિક 1752.51 મિલિયન લિટર પાણી સપ્લાય કરવામાં આવતું હતું. તેની સરખામણીએ માર્ચના મધ્ય સુધીમાં રહેણાંક અને કોમર્શિયલ મિલકતો માટે આ સપ્લાય વધીને 1796.05 મિલિયન લિટર સુધી પહોંચી ગયો છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, ગરમીની શરૂઆતમાં જ પાણીના વપરાશમાં પ્રતિદિન અંદાજે 44 MLD નો વધારો નોંધાયો છે.
અમદાવાદમાં દૈનિક 1796.05 MLD પાણીનો સપ્લાય
અમદાવાદ શહેરને કોતરપુર, જાસપુર અને રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ દ્વારા કુલ 235 વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન મારફતે દૈનિક 1796.05 MLD પાણી પૂરું પાડવામાં આવે છે. નિયત મર્યાદા મુજબ માથાદીઠ દૈનિક 150 લિટર પાણી આપવાનું હોય છે, તેમ છતાં શહેરના નદીપારના કેટલાક વિસ્તારોમાં માથાદીઠ 200 લિટરથી પણ વધુ પાણીનો વપરાશ થઈ રહ્યો છે.
પાણીના શુદ્ધિકરણ પાછળ વાર્ષિક 725 કરોડનો ખર્ચ
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીના ક્લોરિનેશન અને પ્યુરિફિકેશન સહિતની પ્રક્રિયા કરી તેને તમામ ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનો સુધી પહોંચાડવા પાછળ વાર્ષિક રૂપિયા 725 કરોડનો જંગી ખર્ચ કરવામાં આવે છે. તેની સામે શહેરમાં આવેલી 19 લાખથી વધુ રહેણાંક અને 6.53 લાખ કોમર્શિયલ મિલકતો પાસેથી વાર્ષિક માત્ર રૂપિયા 264.79 કરોડની વોટર ટેક્સની આવક થાય છે.
શહેરમાં પાણી બચાવવા માટે જનપ્રતિનિધિઓનો ઉદાસીન અભિગમ
પાણીના આ વેડફાટને રોકવા માટે છેલ્લા પાંચ વર્ષમાં ભાજપના ખાડિયા વોર્ડના એકમાત્ર કોર્પોરેટર પંકજ બી. ભટ્ટે પ્રયાસો કર્યા હતા. તે સિવાય ભાજપના 159, કોંગ્રેસના 23, AIMIMના 7 અને એક અપક્ષ કોર્પોરેટરે સતત પાંચ વર્ષ દરમિયાન પાણી બચાવવા માટે ક્યારેય કોઈ ખાસ પ્રયાસ કર્યા નથી.
મધ્યઝોન પાસે સ્ટોરેજની વ્યવસ્થાનો અભાવ
અમદાવાદ શહેરના સાત ઝોન પૈકી મધ્ય ઝોન એક એવો વિસ્તાર છે જ્યાં મોટાભાગે પોળો અને ચાલીઓ આવેલી છે. પાણીની કટોકટી સર્જાય તેવા સંજોગોમાં સૌથી વધુ મુશ્કેલી મધ્ય ઝોનમાં જોવા મળે છે, કારણ કે અહીં પાણીના સંગ્રહ(સ્ટોરેજ) માટેની કોઈ વ્યવસ્થા નથી. શહેરના અન્ય ઝોનમાં જો કદાચ પાણી ન આવે, તો ત્યાં અંડરગ્રાઉન્ડ કે ઓવરહેડ ટાંકીઓની સુવિધા હોવાથી એકાદ-બે દિવસ ચાલે તેટલા પાણીનો સંગ્રહ કરી શકાય છે, પરંતુ મધ્ય ઝોનમાં આવી કોઈ સુવિધા ઉપલબ્ધ નથી.

આ પણ વાંચો: અમદાવાદના સરખેજમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ, એકનું મોત, 3 લોકો ઈજાગ્રસ્ત
વોટર મીટર લગાવવાથી 50 ટકા સુધી વપરાશ ઘટી શકે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 14 વર્ષ પહેલા જોધપુર અને સ્ટેડિયમ વોર્ડમાં પાણીના સપ્લાય માટે વોટર મીટર લગાવવામાં આવ્યા હતા. જોકે, તે સમયે વોટર મીટરની ચોરી થવા સહિતના અન્ય વિવાદોને કારણે સમગ્ર શહેરમાં આ મીટર લગાવવાનું આયોજન પડતું મૂકવું પડ્યું હતું.
નિષ્ણાતોના મતે, વોટર મીટર લગાવવાથી પાણીનો વપરાશ 50 ટકા સુધી ઘટાડી શકાય છે. આથી, કોર્પોરેશનની નવી ટર્મમાં પાણી બચાવવાના હેતુથી વોટર મીટર લગાવવાની દરખાસ્ત ફરીથી લાવવામાં આવે તેવી પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.




