ક્રેડિટ કાર્ડના ડેટાથી ઓનલાઇન મોબાઇલ ફોન ખરીદી કરીને છેતરપિંડી
ઝારખંડ સ્થિત ગેંગની સંડોવણી સામે આવી
ક્રોમા, ઝેપ્ટો અને વિજય સેલ્સથી ખરીદેલો મોબાઇલ વેચીને કમિશન કાપીને નાણાં ઝારખંડ મોકલવામાં આવતા હતા
અમદાવાદ, રવિવાર
અમદાવાદમાં ક્રેડિટ કાર્ડથી ઓનલાઇન મોબાઇલ ફોનની ખરીદી કરીને તેને રોકડેથી વેચાણ કરીને કમિશન મેળવીને છેતરપિડીના નાણાં ઝારખંડમાં મોકલતા યુવકને અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. ઝડપાયેલા યુવકને ઝારખંડ સ્થિત ગેંગ દ્વારા આપવામાં આવતા ક્રેડિટ કાર્ડના ડેટા આપવામાં આવતા હતા. જેના આધારે તે ઓનલાઇન મોબાઇલ ફોનની ખરીદી કરતો હતો. આ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમે વધુ તપાસ શરૃ કરી છે.
અમદાવાદ સાયબર ક્રાઇમના પીઆઇ જે પી ઠાકર અને તેમના સ્ટાફને બાતમી મળી હતી કે મકરબામાં આવેલા રતલામ કાફેમાં એક યુવક શંકાસ્પદ રીતે બેઠો છે અને તે ઓનલાઇન મોબાઇલ ખરીદીને તેને રોકડેથી વેચાણ કરીને નાણાં કેશ ડીપોઝીટ મશીનથી જમા કરાવીને ઝારખંડમાં મોકલી આપે છે.
જેના આધારે પોલીસે વોચ ગોઠવીને ૨૮ વર્ષના સોહેલ પઠાણ ( અજીત મીલ રેસીડેન્સી, સીટી પોઇન્ટ પાસે, રખિયાલ)ને ઝડપીને તેની પાસે રહેલા બે મોબાઇલ ફોન તપાસતા ઝારખંડથી તેને મોકલવામાં આવતા ડેટા હતા. આ અગે વધુ પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે છેલ્લાં ઘણા મહિનાઓથી ઝારખંડ સ્થિત ગેંગના સંપર્કમાં હતો. તેને ઝારખંડથી ક્રેડિટ કાર્ડના ડેટા મોકલવામાં આવતા હતા. તે ડેટાને આધારે સોહેલ પઠાણ ઝેપ્ટો, ક્રોમા અને વિજય સેલ્સથી મોબાઇલ ફોન ખરીદતો હતો. જે બજાર કરતા ઓછી કિંમતમાં વેચીને પોતાનું ૧૦ થી ૨૦ ટકા જેટલું કમિશન કાપીને બાકીની રોકડ કેશ ડીપોઝીટ મશીનથી ઝારખંડ મોકલી આપતો હતો. તેણે છેલ્લાં ઘણા સમય દરમિયાન અમદાવાદથી મોટા પ્રમાણમાં મોબાઇલ ફોન ખરીદીને ઝારખંડમં અલગ અલગ બેંક એકાઉન્ટમાં નાણાં જમા કરાવ્યા હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે.