Get The App

ભારતમાંથી સીમકાર્ડ ઇસ્યુ કરાવીને દુબઇ-કમ્બોડિયા મોકલતી ગેંગ ઝડપાઇ

ગ્રાહકની જાણ બહાર ડોક્યુમેન્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો

ભારતમાંથી આવતા સીમકાર્ડનો દુરઉપયોગ કરીને ચાઇનીઝ ગેંગ દ્વારા સાયબર ફ્રોડ કરવામાં આવતુ હતુંઃ આરોપીઓની પુછપરછમાં અન્ય નામ ખુલ્યા

Updated: Nov 24th, 2025

GS TEAM

Google News
Google News
ભારતમાંથી સીમકાર્ડ ઇસ્યુ કરાવીને દુબઇ-કમ્બોડિયા મોકલતી ગેંગ ઝડપાઇ 1 - image

અમદાવાદ,સોમવાર

કમ્બોડિયા અને મ્યાંનમારમાં સક્રિય ચાઇનીઝ ગેંગ દ્વારા કોલ કરીને વિવિધ પ્રકારની છેતરપિંડી આચરીને કરોડો રૂપિયાની ઉચાપત કરવામાં આવે છે.  ચાઇનીઝ ગેંગને આ સમગ્ર કૌભાંડ ચલાવવા માટે મોટાપ્રમાણમાં ભારતીય સીમ કાર્ડની જરૂર હોવાથી ગેરકાયદે સીમ કાર્ડ ઇસ્યુ કરતા અનેક એજન્ટોને સક્રિય કરવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમે ગ્રાહકોન જાણ બહાર તેમના ડોક્યુમેન્ટના આધારે સીમ કાર્ડ ઇસ્યુ કરીને દુબઇ અને મ્યાંનમાર મોકલતા ત્રણ યુવકોને ઝડપી લીધા હતા. આરોપીઓની પુછપરછમાં પોલીસે મુખ્ય કડી સુધી પહોંચવા માટે પુછપરછ શરૂ કરી છે.


ભારતમાંથી સીમકાર્ડ ઇસ્યુ કરાવીને દુબઇ-કમ્બોડિયા મોકલતી ગેંગ ઝડપાઇ 2 - imageગુજરાત સહિત સમગ્ર ભારતમાં સાયબર ફ્રોડ આચરતી ગેંગ વિદેશમાં સક્રિય છે.  સાયબર ફ્રોડ કોલ કરવા માટે ઉપયોગમાં લેવામાં  આવતા સીમ કાર્ડ ભારતમાંથી ચોક્કસ એજન્ટોની ગેંગની મદદથી ઇસ્યુ કરીને દુબઇથી કમ્બોડિયા અને મ્યાંનમાર પહોંચતા કરવામાં આવે છે. અમદાવાદ સાયબર ક્રાઇમે થોડા દિવસ પહેલા એક ફરિયાદ નોંધી હતી.  જેમાં ચાંદલોડીયામાં રહેતા એક વ્યક્તિના આધાર કાર્ડની મદદથી ઇસ્યુ થયેલા સીમ કાર્ડથી સાયબર ફ્રોડ થયો હતો. જેથી પોલીસે તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો  થયો હતો કે  ચાંદલોડીયા તળાવ પાસે એક મોબાઇલ સર્વિસ કંપનીના  એજન્ટે યુવકના પિતાના નામના સીમ કાર્ડને યુવકના નામે ટ્રાન્સફર કરવાનું કહીને આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ લીધા હતા. પરંતુ, બાદમાં પ્રોસેસ નથી થઇ તેમ કહીને એજન્ટે યુવકની જાણ બહાર સીમ કાર્ડ કઢાવ્યું હતું. 

આ અંગે સાયબર ક્રાઇમના અધિકારીઓએ તપાસ કરીને વિજય રાવલ (રહે. ગજરાજ સોસાયટી,ચાંદલોડીયા) , શુભમ  પરાડિયા (રહે. જોગેશ્વરી કલ્યાણકુંજ ફ્લેટ, રાણીપ) અને કિરણ ઠક્કર (રહે. સિલ્વર હાર્મની ફ્લેટ, ગોતા)ને ઝડપી લીધા હતા. આરોપીએ સીમ કાર્ડ ઇસ્યુ કરાવતા વ્યક્તિઓના ડોક્યુમેન્ટ દુરઉપયોગ કરીને સીમ કાર્ડ મેળવીને સ્થાનિક એજન્ટની મદદથી દુબઇ સુધી મોકલતા હતા. ભારતમાં પ્રતિદિન મોટા પ્રમાણમાં આવતા સીમ કાર્ડને ચાઇનીઝ ગેંગના કોલ સેન્ટર પહોંચતા કરીને ત્યાંથી કોલ કરીને કરોડો રૂપિયાની છેતરપિડી થતી હતી. સાયબર ક્રાઇમે આ મામલે કેટલીક મહત્વની કડી મેળવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.