Gujarat

Re-NEET પેપર વેચાણના નામે છેતરપિંડી કરનાર બે શખસ ઝડપાયા, ટેલિગ્રામમાં ચેનલ બનાવીને વાલીઓ-વિદ્યાર્થીઓને છેતર્યા

By GS TEAM
16 Jun 20263 mins read
TukuTouch Logo
નીટનું પેપર લીક થવાની ઘટના સામે આવતા નીટની પરીક્ષા ફરીથી લેવાની જાહેરાત કરવામાં આવી હતી. જેનો ફાયદો કેટલાક અસામાજિક તત્ત્વોએ ઉઠાવીને છેતરપિંડી આચરી હતી. જેમાં અમદાવાદની સાયબર ક્રાઇમ સેલના અધિકારીઓએ રાજસ્થાનના જયપુર અને કોટામાં દરોડો પાડીને નીટની રી એક્ઝામ પેપર પોતાની પાસે હોવાનું કહીને ઊંચી કિંમતે વેચાણ કરતા બે યુવકોની ધરપકડ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Re-NEET પેપર વેચાણના નામે છેતરપિંડી કરનાર બે શખસ ઝડપાયા, ટેલિગ્રામમાં ચેનલ બનાવીને વાલીઓ-વિદ્યાર્થીઓને છેતર્યા

NEET Re-Exam Scam: નીટનું પેપર લીક થવાની ઘટના સામે આવતા નીટની પરીક્ષા ફરીથી લેવાની જાહેરાત કરવામાં આવી હતી. જેનો ફાયદો કેટલાક અસામાજિક તત્ત્વોએ ઉઠાવીને છેતરપિંડી આચરી હતી. જેમાં અમદાવાદની સાયબર ક્રાઇમ સેલના અધિકારીઓએ રાજસ્થાનના જયપુર અને કોટામાં દરોડો પાડીને નીટની રી એક્ઝામ પેપર પોતાની પાસે હોવાનું કહીને ઊંચી કિંમતે વેચાણ કરતા બે યુવકોની ધરપકડ કરી છે.

ગેમિંગ અને બેટિંગની સાઇટમાં પણ સંડોવણી ખુલી

બંને યુવકો ટેલિગ્રામ પર આઠ જેટલી અલગ અલગ ચેનલ બનાવીને પેપરનું વેચાણ કરતા હતા. તેમણે આ મોડ્સ ઓપરેન્ડીથી બનાવટી પેપર આપીને આશરે 1.50 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ પણ વાલીઓ અને વિદ્યાર્થીઓ પાસેથી લીધી હોવાનો મોટો ખુલાસો થયો છે. જે અંગે સાયબર ક્રાઇમ સેલ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

નીટની રી-એક્ઝામનું પેપર અગાઉથી કેટલીક ટેલિગ્રામ ચેનલ પર વેચાણ કરવામાં આવતું હોવાની બાતમી મળતા દિશામાં તપાસ કરવા માટે અમદાવાદની સાયબર ક્રાઇમ સેલને સૂચના આપવામાં આવી હતી. જેના આધારે તપાસ કરતા ટેલિગ્રામની આઠ જેટલી વિવિધ ચેનલ મળી આવી હતી. જેના ટેકનિકલ એનાલિસિસ, આઇપી એડ્રેસ અને ફોન નંબરના આધારે તપાસ કરવામાં આવતા આ કૌભાંડનું રાજસ્થાન કનેક્શન સામે આવ્યું હતું. જેમાં પોલીસે સુમેરસિંગ મીણા (રહે. મહેશનગર, જયપુર) અને આકાશ મીણા (રહે. કોટા રાજસ્થાન)ને ઝડપી લીધા હતા.

આ અંગે ક્રાઇમ બ્રાંચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું કે નીટની પરીક્ષાનું સંચાલન કરતી નેશનલ ટેસ્ટિંગ એજન્સીને ક્રાઇમ બ્રાંચને મળેલા ઇનપુટ અંગે જાણ કરવામાં આવી હતી. જેના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે સમગ્ર મામલે તપાસ કરી હતી. આરોપીઓ પાસેથી મળી આવેલા મોબાઇલ ફોનમાં તપાસ કરતા તેમના દ્વારા ટેલિગ્રામ પર બનાવવામાં આવેલી આઠ ચેનલ મળી આવી હતી. તેમજ 44 જેટલી વેબસાઇટની વિગતો મળી હતી. ટેલિગ્રામ પર બંને જણા તેમની પાસે રી એક્ઝામનું પેપર હોવાનું કહીને પેપર આપવાનું કહીને નાણાં વસુલતા હતા. આ નાણાં ક્યુ આર કોડ અને ઓનલાઇન લેવામાં આવ્યા હતા. 

પ્રાથમિક તપાસમાં આરોપીના બેન્ક એકાઉન્ટમાંથી 1.50 કરોડ રૂપિયા જેટલી રકમના આર્થિક વ્યવહાર થયા હતા. જે નાણાં નીટના પેપરના બદલામાં લીધા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં આરોપીઓ અન્ય સાયબર ક્રાઇમ સાથે પણ સંકળાયેલા હતા. જેમાં રોકાણ પર વળતરનું કહીને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરતા હતા. તેમજ ગેમિંગ અને બેટિંગની તેમજ અન્ય સાયબર ક્રાઇમના નાણાંની હેરફેરનું કામ કરતા હતા. છેલ્લાં એક મહિના દરમિયાન એક હજાર જેટલા લોકોએ તેમની વિવિધ ટેલિગ્રામ ચેનલનો સંપર્ક કર્યો હતો. જેના મોબાઇલ ડેટાનું એનાલિસિસ પણ કરવામાં આવી રહ્યું છે.

ટેલિગ્રામ ચેનલ પર મળતિયાઓની મદદથી ગેરમાર્ગે દોરતા હતા

આરોપીઓ ટેલિગ્રામ ચેનલ પર એડ થનારા વાલીઓ અને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવા અને નાણાં પડાવવા માટે ચોક્કસ પેટર્નનો ઉપયોગ કરતા હતા. જેમાં તેમના મળતિયાઓ કે કોઈના નંબરને વાલી તરીકે એડ કરીને તેમના દ્વારા પોસ્ટ મુકાવતા હતા કે અગાઉની પરીક્ષાનું પેપર પણ ખરીદ્યું હતું અને તેના 80 ટકા પ્રશ્નો પુછાયા હતા. જેથી તેમણે નાણાં ચૂકવ્યા હતા. આ પોસ્ટ વાંચીને અન્ય કોઈ વાલીઓ કે વિદ્યાર્થીઓ લાલચમાં આવીને બંને યુવકોને નાણાં ચૂકવીને પેપર મેળવતા હતા.

આરોપીઓને પકડવા પોલીસે વાલી બની ટ્રેપ ગોઠવી

રાજસ્થાનમાં રહીને નીટની રી-એક્ઝામનું પેપર તેમની પાસે હોવાનું કહીને દેશભરના વાલીઓ અને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરીને નાણાં પડાવતી ગેંગ અંગે પોલીસને વિગતો મળતા મુખ્ય કડી સુધી પહોંચવા માટે સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક એક્શન પ્લાન અમલમાં મુકાયો હતો. જેમાં પોલીસે એક ડમી વાલી તરીકે ગ્રુપ એડ થઈને પેપર લેવા અંગે વાતચીત કરી હતી અને કેસની કડીઓ મેળવી હતી. જેના કારણે પોલીસ ઝડપથી આરોપી સુધી પહોંચી શકી હતી.