Get The App

હોસ્પિટલના સીસીટીવી ફુટેજ કેસ મામલે ત્રણ યુવકોની ધરપકડ કરાઇ

રાજકોટ સહિત દેશની અનેક હોસ્પિટલોના સીસીટીવી હેક કર્યાનો ખુલાસો

સીસીટીવીના ફુટેજના વિડીયો રૂપિયા ૮૦૦થી ૪૦૦૦ સુધીની કિંમત વસુલીને પુરા પાડતા હતાઃ ઝડપાયેલા આરોપીઓની આંતરરાષ્ટ્રીય હેકર્સ સાથે સાંઠગાંઠ પણ સામે આવી

Updated: Feb 19th, 2025

GS TEAM


Google News
Google News
હોસ્પિટલના સીસીટીવી ફુટેજ કેસ મામલે ત્રણ યુવકોની ધરપકડ કરાઇ 1 - image

અમદાવાદ,બુધવાર

રાજકોટની પાયલ મેટરનીટી હોસ્પિટલના સીસીટીવી યુ ટયુબ પર વાયરલ કરવાના મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ અને ક્રાઇમબ્રાંચે મહારાષ્ટ્રના લાતુર અને સાંગલી તેમજ પ્રયાગરાજ નજીકના ભીંસથી ત્રણ યુવકોની ધરપકડ કરી છેે. આરોપીઓની પ્રાથમિક પુછપરછમાં તેમણે રાજકોટ ઉપરાંત, દેશના શહેરોની હોસ્પિટલોના સીસીટીવી ફુટેજ હેક કરીને ડાઉનલોડ કર્યા હતા અને ટેલીગ્રામ ચેનલ મારફતે  વેચાણ  કર્યા હતા.   સીસીટીવી હેક  કરવામાં આરોપીઓને એટલાન્ટા અને રોમાનિયાના હેકર્સની મદદ મળતી હોવાની વિગતો પણ પ્રાથમિક પુછપરછમાં જાણવા મળી છે. યુ ટયુબ અને ટેલીગ્રામ ચેનલ પર રાજકોટની પાયલ મેટરનીટી હોસ્પિટલના વિવિધ વિભાગોના સીસીટીવી ફુટેજના વિડીયો  વાયરલ થવાના મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ અને ક્રાઇમબ્રાંચની ટીમને આરોપીઓને ઝડપી લેવામાં મહત્વની સફળતા મળી છે. આ અંગે માહિતી આપતા ક્રાઇમબ્રાંચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું કે રાજકોટના સીસીટીવી ફુટેજના આઇપી એડ્રેસની તેમજ છેલ્લાં ત્રણ મહિનાની વિગતો એકત્ર કરવાની સાથે યુ ટયુબની ચેનલ અને ટેલીગ્રામની ચેનલના ટેકનીકલ એનાલીસીસ કરીને તપાસ કરવામાં આવતા પ્રજવલ અશોક તૈલી  (લાતુર), પ્રજ રાજેન્દ્ર પાટીલ (સાંગલી) અને ચંદ્ર પ્રકાશ ફુલચંદ (પ્રયાગરાજ) નામના વ્યક્તિઓની કડી મળી હતી. જેમા આધારે ક્રાઇમબ્રાંચની પાંચ જેટલી અલગ અલગ ટીમ બનાવીને તમામને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી પોલીસે હાર્ડ ડીસ્ક, મોબાઇલ ફોન, બેંક એકાઉન્ટ, લેપટોપ, કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે.  આ તમામ આરોપીઓને લઇને પોલીસની ટીમ ગુરૂવારે બપોરે અમદાવાદ આવી પહોચશે. ત્યારે રિમાન્ડ માટે રજૂ કરી સમગ્ર મામલે તપાસ શરૂ કરાશે.

હોસ્પિટલના સીસીટીવી ફુટેજ કેસ મામલે ત્રણ યુવકોની ધરપકડ કરાઇ 2 - imageબીજી તરફ આરોપીઓ ઝડપાયા બાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે  પ્રજવલ તૈલી સમગ્ર કૌભાંડનો માસ્ટર માઇન્ડ છે. તે રોમાનીયા અને એટલાન્ટા હેકર્સની મદદ લઇને દેશની વિવિધ હોસ્પિટલો, શોપીંગ મોલ તેમજ અન્ય જાહેર સ્થળોના સીસીટીવી હેક કરતો હતો અને તેના ફુટેજ ડાઉન લોડ કરતો હતો. જ્યારે સાંગલીમાં રહેતો પ્રજ ટેલીગ્રામ ચેનલ પરના મેમ્બરને સીસટીવી ફુજેટના વિડીયો રૂપિયા ૮૦૦થી માંડીને ચાર હજાર રૂપિયા સુધીમાં વેચાણ કરતો હતો. તેમજ  ચંદ્ર પ્રકાશ યુ ટયુબ ચેનલ પર આ ફુટેજ અપલોડ કરીને ટેલીગ્રામની લીંક પણ મુકતો હતો. જેના આઘારે ગ્રાહકો મળતા હતા. પ્રાથમિક તપાસમાં તેમણે રાજકોટ સહિત દેશના અન્ય શહેરોની હોસ્પિટલના સીસીટીવી હેક કરીને ખુબ મોટા પ્રમાણમાં વિડીયો બનાવ્યા હતા.

હોસ્પિટલના સીસીટીવી ફુટેજ કેસ મામલે ત્રણ યુવકોની ધરપકડ કરાઇ 3 - imageટેલીગ્રામની અનેક ચેનલની મદદથી કરોડો રૂપિયા એકઠા કરાયા હતા 

આરોપીઓ માટે વિડીયો ફુટેજ વેચાણ માટે ટેલીગ્રામની ચેનલ મુખ્ય સ્ત્રોત હતુ. જેના દ્વારા પ્રજ પાટીલે ઓનલાઇન નાણાં મેળવીને પ્રજવલને આપ્યા હતા. છેલ્લાં એક વર્ષમાં કરોડો રૂપિયા એકઠા કર્યાની વિગતો પણ પોલીસને મળી છે. જેમાં કેટલોક હિસ્સો વિદેશી હેકર્સને પણ અપાયો હતો.

સીસીટીવી ફુટેેજ વિદેશી હેકર્સ પાસે પણ હોવાની સંભાવના

ક્રાઇમબ્રાંચના સુત્રોના જણાવ્યા મુજબ આરોપીઓને રોમાનિયા અને એટલાન્ટાના હેકર્સની મદદ મળતી હતી. જેના આધારે તે સમગ્ર કૌભાંડ ચલાવતા હતા. ત્યારે દેશની વિવિધ હોસ્પિટલો અને જાહેર સ્થળોના સીસીટીવી ફુટેજના ડેટા વિદેશના હેકર્સ પાસે હોવાની સંભાવના પોલીસે વ્યક્ત કરી છે.

રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવી જાન્યુઆરી મહિનાના પહેલા વીકમાં હેક કરાયા હતા

રાજકોટની પાયલ મેટરનીટી હોસ્પિટવના સીસીટીવી હેક કરવાના મામલે આરોપીઓની પુછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતુ કે ડિસેમ્બર ૨૦૨૪ના છેલ્લા સપ્તાહથી હોસ્પિટલના આઇપી એડ્રેસને આધારે હેક કરવાના સોફ્ટવેરની મદદથી કામ શરૂ કરાયું હતું. જેમાં જાન્યુઆરી મહિના પ્રથમ સપ્તાહમાં એટલે કે ૧૦ દિવસમાં આરોપીઓને સીસીટીવીની ડાયરેક્ટ લીંક મળી ગઇ હતી. જેના આધારે તે ફુટેજને ડાઉનલોડ કરીને એડીટ કરવાની સાથે અનએડિટ ભાગ પણ રાખતા હતા. જે ડિમાન્ડના આધારે ભાવ નક્કી કરીને વેચાણ કરતા હતા.

ક્રાઇમબ્રાંચ અને સાયબર ક્રાઇમની ટીમ સતત ૪૮ કલાક જાગીને સમગ્ર ઓપરેશન પાર પાડયું


રાજકોટની હોસ્પિટલના સીસીટીવી હેક કરીને વાયરલ કરવાના મામલે ગુનો નોંધવાની સાથે જ ક્રાઇમબ્રાંચના જેસીપી શરદ સિંઘલે સાયબર ક્રાઇમના ડીસીપી લવીના સિન્હા , ક્રાઇમબ્રાંચના ડીસીપી અજીત રાજયન,  સાયબર ક્રાઇમના એસીપી  હાર્દિક માકડિયા અને ક્રાઇમબ્રાંચના એસીપી ભરત પટેલને અલગ અલગ ટાસ્ક આપીને પાંચ જેટલા પીઆઇની ટીમ બનાવીને મહારાષ્ટ્ર અને પ્રયાગરાજ મોકલી હતી.અને સતત ૪૮ કલાક સુધી કો-ઓર્ડીનેટ કરીને સમગ્ર કૌભાંડને પાર પાડયું હતું.

શોપીગ મોલના ફુટેજ ૮૦૦ રૂપિયામાં અને ગાયનેક વોર્ડ અને ઇન્જેક્શનના વિડીયો ચાર હજારમાં વેચાણ થતા હતા

પ્રજવલ અને તેના સાગરિતો છેલ્લાં એક વર્ષથી સીસીટીવી હેક કરીને ફુટેજને ટેલીગ્રામ ચેનલ મારફતે વેચાણ કરવાનું દેશવ્યાપી કૌભાંડ ચલાવતા હતા. જેમાં તેમની પાસેથી વિવિધ શહેરોના શોપીંગ મોલ, જાહેર સ્થળો, સરકારી કચેરી અને હોસ્પિટલના સીસીટીવી ફુટેજ અંગે વિગતો મળી છે. ઇન્સ્ટાગ્રામ અને યુ ટયુબ ચેનલ પર આ ફુટેજના આધારે અપલોડ થતા વિડીયોથી ક્રીએટરને સારી એવી આવક થતી હતી. જેથી આ વિડીયોની ડિમાન્ડ રહેતી હતી. જેમાં શોપીંગ મોલની સીસીટીવી ફુટેજ રૂપિયા ૮૦૦ થી ૧૨૦૦માં , ગાયનેક વોર્ડ અને મહિલાઓને ઇન્જેક્શન આપવામાં આવતું હોય તેવા વિડીયો ચાર હજાર રૂપિયા સુધીમાં વેચાણ થતા હતા.


Tags :