ચાઇનીઝ ગેંગ માટે ૨૫૦૦થી વધુ સીમકાર્ડ મોકલનાર બે શખ્સો ઝડપાયા
ડીજીટલ એરેસ્ટ કરી ૮૬ લાખ પડાવવાની કેસમા મહત્વની સફળતા
સિનિયર સિટીઝનને ડીજીટલ એરેસ્ટ કરવાના વિડીયો કોલમાં આરોપીઓએ મોકલેલા સીમકાર્ડનો ઉપયોગ કરાયો હતોઃ કંપનીના નામે સીમકાર્ડ લીધા હતા
અમદાવાદ,ગુરૂવાર
શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા સિનિયર સીટીઝનને ડીજીટલ એરેસ્ટ કરીને અલગ અલગ કેસ કરવાની ધમકી આપીને૮૬ લાખ જેટલી રકમ પડાવનાર ચાઇનીઝ ગેગ સાથે સંકળાયેલા બે શખ્સોને સાયબર ક્રાઇમે થાણે મુંબઇથી ઝડપી લીધા હતા. કમ્બોડિયામાં સક્રિય ચાઇનીઝ ગેંગ માટે આરોપીઓએ સીમકાર્ડની વ્યવસ્થા કરી હતી. જેમાં બંનેએ એક કંપની ખોલીને ૨૫૦૦ જેટલા સીમકાર્ડ ખરીદીને વિદેશમાં મોકલ્યા હતા. આ સીમકાર્ડની મદદથી વિડીયો કોલ કરીને સિનિયર સીટીઝન પાસેથી નાણાં પડાવ્યા હતા. આ અંગે સાયબર ક્રાઇમે વધુ તપાસ શરૂ કરી છે.
શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા એક સિનિયર સીટીઝન પર મની લોન્ડરીંગનો કેસ થયો હોવાનું કહીને તેમને સુપ્રિમ કોર્ટનું સમન્સ મોકલીને વિડીયો કોલ કરીને સતત ૨૪ કલાક નજર કેદ રાખીને તેમને અલગ અલગ કેસમાં ફસાવવાનું કહીને ૮૬ લાખ જેટલી માતબર રકમ પડાવી હતી. આ અંગે સાયબર ક્રાઇમ દ્વારા ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં ટેકનીકલ એનાલીસીસના આધારે વિડીયો કોલ માટે સીમકાર્ડનો ઉપયોગ થયો હતો તે અંગે તપાસમાં મહારાષ્ટ્રના થાણેમાં રહેતા બે વ્યક્તિના નામ ખુલ્યા હતા. પુછપરછમાં તેમના નામ ઋષીકેશ હસુરકર અને સુરેશ ગુડીમ હોવાનું જાણવા મળ્યું હતું. ઋષીકેશ અને સુરેશ ચાઇનીઝ ગેંગને મોટાપ્રમાણમાં સીમ કાર્ડ પુરા પાડવા માટે એક બોગસ કંપની શરૂ કરી હતી અને જેમાં અલગ અલગ ડોક્યુમેન્ટના આધારે ૫૫૦ જેટલા સીમકાર્ડ લઇને મુંબઇ એરપોર્ટથી બેંગકોક મોકલ્યા હતા. અત્યાર સુધીમાં આરોપીઓએ કુલ ૨૫૦૦ જેટલા સીમકાર્ડ લીધા હતા. જેનો ઉપયોગ સમગ્ર દેશમાં ઓનલાઇન ફ્રોડ અને ડીજીટલ એરેસ્ટ કરીને લાખો કરોડો રૂપિયા પડાવવા માટે થતો હતો. આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમે વધુ તપાસ શરૂ કરી છે.