ચેતજો! અમદાવાદના બોપલમાં ગ્રાહકને ઓનલાઇન ઓર્ડરમાં વેજના નામે નોનવેજ બર્ગર પધરાવી દેતા હોબાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Food Mix-Up Sparks Outrage in Ahmedabad: અમદાવાદના પોશ ગણાતા બોપલ વિસ્તારમાંથી શાકાહારી નાગરિકોની ધાર્મિક લાગણી દુભાવતો અને ફૂડ સેફ્ટી સામે ગંભીર સવાલો ઉઠાવતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બોપલમાં આવેલી 'મેકડોનાલ્ડ્સ' (McDonald's)ની બ્રાન્ચ દ્વારા એક શાકાહારી ગ્રાહકને ઓનલાઈન ઓર્ડરમાં વેજ બર્ગરની જગ્યાએ ચિકન/નોનવેજ બર્ગરની ડિલિવરી કરી દેવામાં આવતા મોટો હોબાળો મચ્યો હતો. શાકાહારી ભોજનની અપેક્ષા રાખતા ગ્રાહકને આ ઘટનાથી અત્યંત કડવો અને આઘાતજનક અનુભવ થયો છે.
ઓનલાઇન ઓર્ડરમાં 'વેજ' મંગાવ્યું ને 'નોનવેજ' આવ્યું!
મળતી માહિતી અનુસાર, ગ્રાહકે ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ મારફતે બોપલ મેકડોનાલ્ડ્સ આઉટલેટમાંથી વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર ઘરે પહોંચ્યા બાદ જ્યારે ગ્રાહકે પેકિંગ ખોલીને ફૂડ ચેક કર્યું, ત્યારે બર્ગરની અંદર વેજના બદલે નોનવેજ ફૂડ હોવાનું સામે આવ્યું હતું. ગ્રાહકે આ જોતાં જ તેના હોશ ઊડી ગયા હતા.
આ ગંભીર ભૂલ અને ધાર્મિક આસ્થા સાથે થયેલા ચેડાં અંગે જ્યારે ગ્રાહકે એક જાગૃત નાગરિક તરીકે બોપલ મેકડોનાલ્ડ્સના સ્ટોર પર રૂબરૂ જઈને રજૂઆત કરી હતી. આ દરમિયાન સ્ટાફ અને મેનેજમેન્ટે પોતાની આવી મોટી ભૂલ સ્વીકારવાને બદલે ગ્રાહક સાથે અત્યંત ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. સ્ટોર મેનેજમેન્ટે આ ગંભીર બેદરકારી સ્વીકારવામાં અને ગ્રાહકની માફી માંગવામાં ભારે આનાકાની કરી હોવાનો આક્ષેપ છે.
કિચનમાં વેજ-નોનવેજ બધું ભેગું
પીડિત ગ્રાહકે આઉટલેટ પર સ્ટોરની સ્થિતિ જોયા બાદ મીડિયા સમક્ષ ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. ગ્રાહકના જણાવ્યાનુસાર, મેકડોનાલ્ડ્સના કિચનમાં વેજ અને નોનવેજ બંને પ્રકારની ખાદ્યસામગ્રીઓ તેમજ તેને બનાવવાની પ્રક્રિયા કોઈ પણ જાતના ભેદભાવ વગર એકસાથે રાખવામાં આવે છે. હાઇજીન, સેપરેશન અને ધાર્મિક પવિત્રતાના નિયમોનું અહીં સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. શાકાહારી વસ્તી ધરાવતા અમદાવાદના રહીશોની આસ્થા અને સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં મેકડોનાલ્ડ્સ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.








