Get The App

અમદાવાદમાં લગ્નની જીદમાં પ્રેમી બન્યો દુશ્મન, યુવતીની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ કરી

Updated: Dec 29th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં લગ્નની જીદમાં પ્રેમી બન્યો દુશ્મન, યુવતીની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ કરી 1 - image


Ahmedabad Crime: અમદાવાદના અસલાલીમાં એક તરફી પ્રેમ અને લગ્નની જીદમાં અંધ બનેલા પ્રેમીએ હદ વટાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રેમિકાના પરિવારજનો લગ્ન માટે તૈયાર ન થતા, આરોપીએ યુવતીને બદનામ કરી લગ્ન માટે દબાણ કરવાના ઇરાદે સોશિયલ મીડિયા પર તેના વાંધાજનક તસવીરો અને વીડિયો વાઈરલ કર્યા હતા. આ મામલે પીડિત યુવતીએ ધોળકાના શખસ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે.

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, 22 વર્ષીય પીડિત યુવતી છેલ્લા પાંચ વર્ષથી ધોળકાના રહેવાસી યોગેશ વાઘેલા સાથે પ્રેમ સંબંધમાં હતી. જોકે, યુવતીના પરિવારજનો આ સંબંધની વિરુદ્ધમાં હોવાથી યુવતીએ દૂર રહેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આરોપી યોગેશ તેને લગ્ન કરવા માટે સતત દબાણ કરી રહ્યો હતો. જ્યારે યુવતીએ લગ્નની ના પાડી, ત્યારે આરોપીએ તેની આબરૂ ખરાબ કરવાની ધમકી આપી હતી. આરોપીએ સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવીને તેના પર યુવતીના વાંધાજનક તસવીરો તેમજ વીડિયો અપલોડ કરી તેને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસનું મેગા ઓપરેશન, ભીવાડીમાં ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ

યુવતી અને આરોપી યોગેશની પ્રથમ મુલાકાત પાંચ વર્ષ પહેલા એક લગ્ન પ્રસંગમાં થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા અને પ્રેમ સંબંધ બંધાયો હતો. આરોપી યુવતીને છૂપી રીતે મોબાઈલ ફોન મોકલાવી વાતચીત કરતો હતો. જો કે, પરિવારને જાણ થતા તેઓએ ફોન લઈ લીધો હતો, તેમ છતાં આરોપી ગમે તે રીતે સંપર્ક ચાલુ રાખતો હતો. આ પછી વાતચીત દરમિયાન આરોપીએ યુવતીના વાંધાજનક વીડિયો કોલ રેકોર્ડ કરી લીધા હતા. 

આ પછી આરોપી ધમકી આપી એવું કહેતો હતો કે, 'તારા માતા-પિતા લગ્ન માટે તૈયાર નથી, તેથી હું તારી આબરૂ ખરાબ કરી નાખીશ તો તેઓ મજબૂરીમાં આપણા લગ્ન કરાવી દેશે.' આમ ગત 23મી ડિસેમ્બરના રોજ જ્યારે આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા ત્યારે પરિવારને આ પાશવી કૃત્યની જાણ થઈ હતી. આરોપીના આ કૃત્યથી ડરી ગયેલા પરિવારે તાત્કાલિક સાયબર હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ પીડિત યુવતીએ અસલાલી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ યોગેશ વાઘેલા સામે વિધિવત ફરિયાદ નોંધાવી છે. પુરાવા તરીકે વીડિયો ક્લિપની પેનડ્રાઈવ અને સ્ક્રીનશોટ પોલીસને સોંપવામાં આવ્યા છે. પોલીસે આ મામલે આઈટી એક્ટ અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરવાના કાર્યવાહી હાથ ધરી છે.