નાણાંની હેરફેર માટે મ્યુલ એકાઉન્ટ ખોલનાર વિરૂદ્ધ મોટાપાયે કાર્યવાહી થશે

અમદાવાદ,બુધવાર
ચાઇનીઝ ગેંગ દ્વારા કરવામાં આવતી છેતરપિંડીમાં નિર્દોષ લોકો ભોગ બનીને કરોડો રૂપિયા ગુમાવે છે. આ નાણાં ચાઇનીઝ ગેગ પોતાના સુધી પહોંચે તે માટે ભારતમાં એજન્ટો બનાવીને બેંકોમાં અન્ય લોકોની જાણ બહાર મોટાપ્રમાણમાં બેંક એકાઉન્ટ ખોલે છે.
જેમાં જમા થતા કરોડો રૂપિયા હવાલા તેમજ ક્રિપ્ટોના માધ્યમથી વિદેશમાં મોકલવામાં આવે છે. જેથી પોલીસે હવે ગેરકાયદે ખોલવામાં આવતા બેંક એકાઉન્ટને કાબુમાં લેવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી છે. જે અંતર્ગત બેંકોના જવાબદાર અધિકારીઓ અને મળતિયાઓની તપાસ કરીને કાર્યવાહી કરવામા ંઆવી છે. જેમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચને ૩૮ જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટની તપાસ કરતા કરોડો રૂપિયાના બેનામી વ્યવહાર મળી આવ્યા હતા.
કમ્બોડિયા અને વિયેતનામમાં સક્રિય ચાઇનીઝ ગેંગ દ્વારા ડીજીટલ એરેસ્ટ, ઓનલાઇન છેતરપિંડી જેવા સાયબર ક્રાઇમ આચરવામાં આવે છે. આ છેતરપિંડીથી કરોડો રૂપિયા ઓનલાઇન પડાવવામાં આવે છે. જે મેળવવા માટે ચાઇનીઝ ગેંગ ખુબ મોટા પ્રમાણમાં ગુજરાત સહિતના રાજ્યોમાં બેંકોના એજન્ટો અને તેના અધિકારીઓ સાથે મળીને અન્ય લોકોની જાણ બહાર મ્યુલ એકાઉન્ટ ખોલે છે. જેમાં જમા થતા કરોડો રૂપિયાને એટીએમ, ચેકથી કે ઓનલાઇન લઇને હવાલા કે ક્રિપ્ટોના માધ્યમથી દુબઇ થઇને ચાઇનીઝ ગેંગ સુધી પહોંચતા કરવામાં આવે છે. આમ, મ્યુલ એકાઉન્ટથી શરૂ થતા નાણાંકીય વ્યવહારને રોકવા માટે સમગ્ર રાજ્યમાં ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવે છે. જે અંતર્ગત અમદાવાદ ક્રાઇમ બ્રાંચે મળેલા ઇન્પુટના આધારે આશરે ૩૮ જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટની તપાસ કરી હતી. જેમાં કરોડો રૂપિયાના આર્થિક વ્યવહાર મળી આવ્યા હતા. આ અંગે ક્રાઇમબ્રાંચના ડીસીપી અજીત રાજયને જણાવ્યું કે બેંક તેમના ટારગેટ પુરા કરવા માટે અન્ય લોકોની જાણ બહાર તેમના એકાઉન્ટ ખોલી આપે છે. જેમાં કરંટ બેંક એકાઉન્ટ, એનજીઓના નામે તેમજ કોઇના વ્યક્તિગત એકાઉન્ટ પણ ખુલે છે. અમદાવાદમાં મળી આવેલા ૩૮ જેટલા બેંક એકાઉન્ટ સંદર્ભમાં કરેલી તપાસમાં બેંકના કર્મચારીઓ અને એજન્ટોની સંડોવણી ખુલી છે. જે અંગે આગામી સમયમાં ત્રણ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. જેમાં મોટાપાયે ધરપકડ ઉપરાંત, અનેક લોકો વિરૂદ્ધ કાનુની કાર્યવાહી થશે.








