સરખેજ રોજાના ગુંબજ પરથી કળશની ચોરી કરનાર ગેંગને ઝડપી લેવાઇ
ચોરીના કળશના ટુકડા કરીને વેચાણ કરે તે પહેલા ક્રાઇમબ્રાંચને લીડ મળી
હેરીટેજ સાઇટના પંચધાતુના કળશને સોનાના માનીને મહેસાણાની ગેંગ દ્વારા રેકી કરીને ચોરી કરવામાં આવીઃ કુલ ચાર આરોપીની ધરપકડ
અમદાવાદ,ગુરૂવાર
સરખેજ રોજાની મસ્જિદના ગુંબજ પરથી કળશની ચોરીના કેસનો ભેદ ઉકેલવામાં ક્રાઇમબ્રાંચને મહત્વની સફળતા મળી છે. જેમાં ચોરી કરાયેલા પંચધાતુના કળશના ટુકડા સાથે પાટણની ગેંગના ચાર સાગરિતોને ઝડપી લીધા હતા. જ્યારે કેસમાં સંડોવાયેલા અન્ય ચાર આરોપીઓની શોધખોળ ચાલુ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે તસ્કરી કરતી ગેંગને શંકા હતી કે સરખેજ રોજાની સાઇટ હેરીટેજ હોવાથી આ કળશ સોનાનો છે. જેથી તેમણે ચોરીની યોજના બનાવી હતી. આ અંગે ક્રાઇમબ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે.
વર્લ્ડ હેરીટેજ સાઇટ સરખેજ રોજાના મસ્જિદના ગુંબજથી પ્રાચીન એવા પંચધાતુના ગુંબજની ચોરીની ઘટના બની હતી. યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલી હેરીટેજ સાઇટ પરથી કળશની ચોરીની ઘટનાને ગંભીરતાથી લઇને અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એમ એ સાલુકે અને ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે આ ચોરીમાં મહેસાણા જિલ્લાના વિવિધ ગામોમાં રહેતી એક તસ્કર ગેંગ સકળાયેલી છે અને તે ગેંગના કેટલાંક સભ્યો કળશના ટુકડા વેચાણ કરવા માટે ગ્રાહકો શોધી રહ્યા છે. જે બાતમીના આધારે વોચ ગોઠવીને ચોરીના કળશના ટુકડા સાથે સુરેશ દંતાણી , ગોપાલ દંતાણી, મુન્ના દંતાણી અને વિષ્ણુ દંતાણીને ઝડપી લીધા હતા.
આ અંગે વધુ માહિતી આપતા ક્રાઇમબ્રાંચના ડીસીપી અજીત રાજયને જણાવ્યું કે ઝડપાયેલા ચાર આરોપીઓ ઉપરાંત, અન્ય ચાર આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે. સરખેજ રોજા યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીેટેજ તરીકે જાહેર કરવામાં આવી હોવાથી આરોપીઓને ધારણા હતી કે ગુંબજ પરના કળશ સોનાના છે. જેથી તેની ચોરી કરીને વેચાણ કરે તો સારા એવી નાણાં મળશે. તેમ માનીને કળશની ચોરી કરી હતી.
પરંતુ, તે પંચધાતુ હોવાથી તેને કાપીને વેચાણ કરવા માટે ગ્રાહકોની શોધમાં હતા. ઝડપાયેલા આરોપીઓ અગાઉ પણ ગુનામાં સંડોવાયેલા હતા. ચોરીની ઘટનાને અંજામ આપતા પહેલા આરોપીઓએ રેકી કરી હતી અને ગુંબજ પરથી કળશને નીચે ઉતારવા માટે દોરડાનો ઉપયોગ કર્યો હતો.
ચોરી કરાયેલા કળશનું નામ પંજતન
સરખેજ રોજાની મસ્જિદ આશરે ૫૭૫ વર્ષ જુની છે અને ૧૯૨૧થી ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત કરવામાં આવી છે. જેનુું બાંધકામ ઇન્ડો ઇસ્લામિક શૈલીનું છે.વર્ષ ૨૦૧૭માં સરખેજ રોજાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ જાહેર કરવામાં આવી હતી. ચોરી કરાયેલા કળશનું નામ પંજતન છે. તેનો મતલબ પાંચ પવિત્ર પાત્રો થાય છે અને તે આશરે ૧૫૦ વર્ષ જુનો હોવાનું માનવામાં આવે છે.